મોરબી : મોરબી શહેરની આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે સમયાંતરે વિવિધ ઔદ્યોગિક એકમોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવતી હોય છે ત્યારે એમ.કોમની વિદ્યાર્થિનીઓને આણંદ સ્થિત અમૂલ ડેરી અને આણંદના મોગલ ગામ સ્થિત અમૂલ ચોકલેટ પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ આ ઔદ્યોગિક મુલાકાતમાં એશિયાની સૌથી મોટી આણંદ સ્થિત અમૂલ ડેરીની રૂબરૂ મુલાકાત લઈ ડેરીની જુદી જુદી કામગીરી તથા અમૂલ ડેરીની જુદી જુદી ડેરી પ્રોડક્ટો વિશેની માહિતી પ્લાન્ટ મેનેજર તથા માર્કેટિંગ મેનેજર પાસેથી મેળવી હતી. આ ઉપરાંત આણંદની બાજુમાં મોગર ગામ ખાતે આવેલા અમૂલ ચોકલેટ પ્લાન્ટની પણ રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં રોબોટ દ્વારા ચોકલેટની બનાવટ પ્રત્યક્ષ રીતે નિહાળવામાં આવી હતી. તદુપરાંત ચોકલેટ બનાવવાની જુદી જુદી પ્રક્રિયાઓ તથા હાલના આધુનિક ઓટોમેશન મશીનો પ્લાન્ટ મેનેજર દ્વારા બતાવવામાં આવ્યા હતા. માર્કેટિંગ મેનેજર દ્વારા અમૂલ ચોકલેટની જુદી જુદી પ્રોડક્ટો વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવી હતી તથા અમૂલ રિટેલ શોપ પરથી વિદ્યાર્થિનીઓએ ડિસ્કાઉન્ટ સાથે ચોકલેટની ખરીદી પણ કરી હતી. ઔદ્યોગિક મુલાકાતની શરૂઆતમાં સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરવામાં આવ્યા હતા. જ્યાં 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના પણ દર્શન કર્યા હતા. તદુપરાંત બીજા દિવસે ગુજરાતમાં આવેલ શક્તિપીઠો પૈકીના એક એવા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનનો લ્હાવો લીધેલ હતો. સાથોસાથ આજવા સ્થિત અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની પણ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી બેસીને વિદ્યાર્થિનીઓએ આનંદ માણ્યો હતો. અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની બેક ટુ બેક ડાન્સ ઈવેન્ટમાં કરવામાં આવી. જુદા જુદા કરતબો જોઈને વિદ્યાર્થિનીઓ રોમાંચિત થઈ ગઈ હતી. અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કમાં આવેલ ટ્રેમ્પોલાઈન પાર્ક, વોટરપાર્ક તથા સાંજના સમયનો વોટર લેસર શો પણ નિહાળ્યો હતો.