મોરબી: મોરબી શહેરમાં કોરોનાના કેસોમાં જબ્બરો ઉછાળો આવતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ સાથે પાલિકાએ આજે રાત્રિથી જ શહેરના મુખ્ય માર્ગો અને ચોકો પર સેનિટાઈઝેશન કરવાનું આયોજન કર્યું છે. કોરોનાના કેસો વધવાની સાથે જ સંબંધિત વિભાગો એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે મોરબી નગરપાલિકાએ પણ વધતા સંક્રમણ સામે બાથ ભીડવાની કવાયત આદરી છે. આજે શુક્રવારથી રાત્રે 9 વાગ્યા બાદ શહેરના જાહેરમાર્ગો જેવા કે, નહેરુગેટ ચોક, ગ્રીન ચોક, શાકમાર્કેટ વિસ્તાર સહિતના જાહેર માર્ગો પર સેનિટાઈઝેશનની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભિક તબ્બકે જાહેરમાર્ગો અને સાર્વજનિક સ્થાનો પર મોટા પ્રમાણમાં સેનીટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે બાદમાં સીમિત કરીને પછી બંધ કરી દેવામાં આવી હતી.