મોરબી: શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર મેઇન રોડનું શુક્રવારે સાંજે ભૂમિ પૂજન તેમજ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ગયેલા લાયન્સનગરના મુખ્ય માર્ગનું શુક્રવારે સાંજે 5:00 કલાકે ભૂમિ પૂજન તથા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, માજી કાઉન્સીલર ભાવેશ કણજારીયા, કે.કે. પરમાર તથા ભૂતપૂર્વ પ્રમુખ કેતન વીરપરા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વરદ હસ્તે શ્રીફળ વધેરી ખાતમહુર્ત બાદ ઉપસ્થિત તમામ લોકોના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિસ્માર બનેલા આ રોડનું નવીનીકરણ કરવા માટે સ્થાનિક લોકોની ઘણા સમયથી માગણી હતી. ત્યારે રોડનું કાર્ય શરૂ થતાં જ રાહગીરો તેમજ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તકે સામાજિક કાર્યકર અબદુલભાઇ એમ. બુખારીએ ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.