આ સમસ્યાનો તાકીદે કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી મોરબી : મોરબીના કેનાલ રોડ, લીલાપર-નવાગામ રોડ સહિતના માર્ગો પર ગટરના પાણી નિકાલની સમસ્યાથી સ્થાનિકો ત્રાસી ગયા છે. ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી સ્થાનિકો અને વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો તાકીદે કાયમી ઉકેલ આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. મોરબી શહેરમાં કેનાલ રોડ, લીલાપર-નવાગામ રોડ સહિતના રોડ-રસ્તાઓ પર તેમજ એસ.પી. રોડના નાલા પાસે, લેક્સસ બંગલો સામે સહીતના અનેક સ્થળોએ ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આથી, દુર્ગંધભર્યા અને ગંદકીવાળા પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. જેના લીધે તે જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેનાથી આખા દિવસ દરમિયાન મચ્છર અને જીવાંતનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. એવા સમયમાં ગંદકી થવાથી સ્વાભાવિક રીતે જ આજુબાજુના વિસ્તારના રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. વધુમાં, સ્થાનિકોએ જણાવ્યું છે કે હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે એસ.પી. રોડ પર આવેલા 3-4 પાર્ટી પ્લોટ સુધી પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટરના પાણી રસ્તા પર ભરાય જતા રહેવાથી અડચણ ઉભી થાય છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ સાથે બાઈક પર સવાર થઇ પાણી વચ્ચે જવું ભારે મુશ્કેલ થઇ પડે છે. તેમજ એસ.પી. રોડ પર સવારના વોકિંગ માટેના પાથ પર પાણી ભરાય રહેતા હોવાથી ચાલી શકાય તેમ નથી. આમ, આ તમામ સ્થળો પર તંત્ર દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે તે જરૂરી છે. તેમજ અવારનવાર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ત્યારે હવે જવાબદાર અધિકારીઓ દ્વારા સત્વરે પગલાં લેવાય અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.