શનાળા રોડ ઉપર જીઆઇડીસી નાકા નજીક આગ લાગતા સાત સ્ટોલમાં સ્વેટર, જાકીટ સહિત લાખોનો માલ બળી ગયો, સદભાગ્યે જાનહાની ટળી, ફાયર બ્રિગેડ કલાકોની જહેમતને મહામહેનતે આગ કાબુમાં આવી મોરબી : મોરબીના જીઆઈડીસીના નાકે ગરમ કપડાંની બજારમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે સ્ટોલ અંદર સુતેલા સ્ટોલ ધારકો સમયસર બહાર નીકળી જતા સદનસીબે જાનહાની ટળી હતી.આગની આ ઘટનામાં સાત સ્ટોલ ઝપટમાં આવી જતા સ્વેટર, જાકીટ સહિત લાખોનો માલ બળી ગયો હતો. ફાયર બ્રિગેડ કલાકોની જહેમતને મહામહેનતે આગ કાબુમાં આવી હતી. મોરબી ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આ આગના બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે જીઆઈડીસીના નાકે કેટલાક બહારના લોકો ગરમ કપડાંના તંબુ એટલે સ્ટોલ નાખીને સ્વેટર, જાકીટ સહિતનું વેચાણ કરે છે. આ સ્ટોલ ધારકો ગતરાત્રે પોતાના તંબુ એટલે સ્ટોલની અંદર સુતા હતા. ત્યારે ગતરાત્રે દોઢ વાગ્યે આ ગરમ કપડાંના સ્ટોલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આ આગ લાગતા જ સ્ટોલ અંદર સુતેલા તમામ લોકો ઝડપથી બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. આગની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝવવા માટે ભારે પ્રયાસો હાથ ધર્યા હતા. પણ આગ એટલી વિકરાળ હતી કે સાત જેટલા સ્ટોલ આગની ઝપટમાં આવી ગયા હતા અને આ સ્ટોલોમાં રહેલા તમામ ગરમ કપડાંનો માલ આગમાં નાશ પામ્યો હતો. મધ્યમ વર્ગના લોકોના આ સ્ટોલમાં રહેલ લાખો રૂપિયાનો તમામ માલ બળી જતા રોજીરોટી મેળવવા આવેલા પરપ્રાંતીય લોકો મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આ આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડના અથાક પ્રયાસોના અંતે રાત્રે દોઢ વાગ્યે લાગેલી આગ રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આગ કાબુમાં આવી હતી. જો કે આ આગના બનાવનું કારણ જાણવા મળ્યું નથી એમ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.