મોરબીઃ મોરબીના યોગીનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીના વાલીએ ઈન્ટર બટાલીયન સાઉધર્ન સેક્ટર સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે ટ્રોફી જીતીને મયુરનગર તથા મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. મહાત્મા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થી આર્યન ડાભી (ધો. કે.જી) તથા જાનવી ડાભી (ધો. 1)ના પિતા સુનિલભાઈ ધીરુભાઈ ડાભી (મયુરનગર, હળવદ)નું ગત વર્ષે સીઆરપીએફમાં જવાન તરીકે છત્તીસગઢ ઝારખંડમાં પોસ્ટીંગ થયું હતું. પ્રથમ વર્ષે જ ગત ડિસેમ્બર-2022માં તેઓએ હૈદરાબાદ ખાતે યોજાયેલા ઈન્ટર બટાલીયન સાઉધર્ન સેક્ટર કોમ્પીટીશનમાં ભાગ લઈ 800 મીટર તથા 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ સાથે ટ્રોફી જીતીને મયુરનગર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે સુનિલભાઈ ડાભી 10 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી સુધી યોજાનાર ઓલ ઈન્ડિયા સીઆરપીએફ બટાલીયન એથ્લેટીક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. મયુરનગરના સુનિલભાઈ ડાભીને દેશ સેવા માટે પ્રોત્સાહિત કરવા બદલ મહાત્મા ગાંધી વિદ્યાલયના પ્રમુખ સંચાલક લાલજીભાઈ કુનપરાએ, ડાભી પરિવાર તથા સમસ્ત મયુરનગરના લોકો તરફથી અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ આગામી 26મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે થનાર ધ્વજવંદન આર્યન ડાભીના હસ્તે કરી દેશ સેવાની સાથે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુનિલભાઈ ડાભીને સન્માનિત કરવામાં આવશે.