મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ HMA-1ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. 16 કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની મદદ માટે દેશભરમાંથી લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક લોકો પણ આગળ આવ્યા છે. ધૈર્યરાજસિંહ રાઠોડને રોગની સારવાર માટે મદદરૂપ થવા મોરબીમાં રહેતા જેઠલોજા પરિવારના પાંચ વર્ષના બાળક રુદ્ર મયુર જેઠલોજાએ પિગી સેવિંગ બેંકમાંથી રૂ. 9999નું યોગદાન આપ્યું છે. આ ધનરાશિ ઓનલાઇન પે કરવામાં આવી હતી. આમ, એક બાળકને સહાય કરવા માટે અન્ય બાળકે સેવિંગની રકમ આપી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.