મોરબી : સોની ચેનલ પર પ્રસારિત થતી મુંબઈ ખાતે આયોજિત નેશનલ લેવલ કોન્ટેસ્ટ ઇન્ડિયા'સ સુપર કિડ્ઝમાં મોરબીના બાળ ડાન્સર હિતાર્થ કેલૈયાએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી હતી. આશરે એક વર્ષ પહેલા “ઇન્ડિયાઝ સુપર કિડ્સ” માટે મોરબીમાં એક ઓડિશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હિતાર્થ શો માટે પસંદગી પામ્યો હતો. ત્યારબાદ હિતાર્થએ ગત 21 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે આયોજિત ઇન્ડિયા'સ સુપર કિડ્ઝમાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' અને 'ઝલક દિખલા જા'ના વિજેતા સલમાન યુસુફ ખાન ઉપસ્થિત રહ્યા હતા. જયારે મંચ પર હિતાર્થ કેલૈયાએ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા હોવાની ઘોષણા બાદ સલમાન યુસુફ ખાનના હસ્તે હિતાર્થને ટ્રોફી વિતરણ કરાઈ હતી. તેમજ હિતાર્થ અને જજ સલમાને સાથે મંચ પર ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હિતાર્થ માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારથી આ ફિલ્ડમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ છે. પાછલા 8 વર્ષથી તે સખ્ત મહેનત કરી રહ્યો છે. તેમજ ઇન્ડિયા'સ સુપર કિડ્ઝમાં પહોંચવા માટે એક વર્ષની મહેનત બાદ તેનું સ્વપ્ન સાકાર થયું છે. જે માટે કોરિયોગ્રાફર મયુર ધોરીચાએ હિતાર્થને સતત માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યો હતો.