મોરબી : અમદાવાદમાં યોજાનાર ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ગ્રુપ સેશનમાં મોરબીના પુસ્તક પરબની ટીમના સભ્યો હાજરી આપી ચર્ચા કરનાર છે. માતૃભાષા અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં ચાલતું પુસ્તક પરબ સાહિત્યપ્રેમી લોકોની વાચન તરસ છીપાવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ચાલતાં 200 થી વધારે કેન્દ્રોમાં મોરબીનું કેન્દ્ર સૌથી અલગ અને વિશિષ્ટ રીતે ચાલે છે. મોરબી પુસ્તક પરબની ગુજરાતના સાહિત્યિક કાર્યક્રમોમાં અવારનવાર હાજરી રહેતી હોય છે.ત્યારે મોરબીનું પુસ્તક પરબ હવે મોરબી તથા સૌરાષ્ટ્રના સીમાડાઓ વટાવીને અમદાવાદ સુધી પહોંચ્યું છે. ગુજરાતનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ આ વખતે અમદાવાદમાં યૉજાઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વક્તાઓ અને શ્રોતાઓ આવતા હોય છે. આ GLFના માતૃભાષા અભિયાનના ગૃપ સેશનમાં મોરબી પુસ્તક પરબ ટીમના કાર્યવાહક સભ્ય નીરવ માનસેતા પુસ્તક પરબ મોરબીની સફળતા અને પાંચ વર્ષની સફર વિશે વાત કરશે. આ કાર્યક્રમમાં પુસ્તક પરબ મોરબીનું પ્રતિનિધિત્વ લઈને ટીમના સભ્યો જનાર્દન દવે, નિશિત સોની તેમજ નીરવ માનસેતા હાજરી આપશે.