અવારનવાર રજુઆતો કરવા છતાં સંબધિત તંત્ર પગલાં ન ભરાતા ગામલોકોમાં રોષ મોરબી : મોરબીના બરવાળા ગામ પાસે આવેલ હેડ વર્કસ પાણીના સંપના મોટર વિભાગમાં વરસાદને પગલે પાણી ભરાયા છે. અને મોટરો પાણીમાં તરે છે. જેથી, અનેક મોટરો રીપેરીંગ કરવી પડે તેમ છે. દર વર્ષે ચોમાસાંમાં વરસાદથી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સર્જાય છે. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં સંબધિત તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી વગર વાંકે 9 ગામોને પાણીની હાલાકી ભોગવવી પડતી હોવાથી ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બરવાળા ગામ પાસે આવેલ હેડ વર્કસ પાણીના સંપના મોટર વિભાગમાં વરસાદને પગલે પાણી ભરાયાની સમસ્યા મામલે નારણકાના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા, ખેવારીયાના સંરપંચ પ્રફુલભાઈ હોથીએ અવાર-નવાર સંબધિત તંત્રને લેખીત-મૌખિક રજુઆતો કરી છે. દર વર્ષ ચોમાસામાં બરવાળા હેડ વર્કસમાં મોટરોના વિભાગમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી સંબધિત તંત્રને વાકેફ કર્યા છે. છતાં હજુ સુધી સંબધિત તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરતા ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી રીતે જો સંપમાં પાણી ભરાઈ રહેશે તો ખાખરાળા, બરવાળા, બીલીયા, ખેવારીયા, નવજીવન, નારણકા, બગથળા, કાંતિપુર અને માનસર જેવા ગામોને છતે પાણીએ વલખા મારવાની નોબત આવશે. જો કે હાલ સંપમાં રાત્રિ સમયના કર્મચારી પણ નિવૃત થયા હોવાથી હવે રાત્રિના સમયમાં સંપની દેખરેખની જવાબદારી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ ગંભીર સમસ્યા મામલે સંબધિત તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી ગામલોકોએ માંગ કરી છે.