ઇન્દોર ખાતે બાળકને ચિઠ્ઠી સાથે રેઢો મૂકીને નાસી જનાર અપહરણકારોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા મોરબી : મોરબી શહેરમાં રહેતા શ્રમિક પરિવારના એક વર્ષના બાળકને બજારમાં ફરવા લઈ જવાનું કહીને પાડોશી દંપતી બાળકનું અપહરણ કરી ગયા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ઇન્દોર ખાતે આ અપહૃત બાળકને ચિઠ્ઠી સાથે રેઢો મૂકીને અપહરણકાર આરોપી દંપતી નાસી ગયું હતું. ઇન્દોર ખાતે બાળક મળી આવ્યો હોવાની જાણ થતાં હાલ મધ્યપ્રદેશમાં જ રહેલી બી ડિવિઝન પોલીસની ટીમ બાળકનો કબજો લેવા ઇન્દોર પહોંચીને આવતીકાલે પરત ફરશે તેવું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે અપહરણકારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીના યોગીનગર ઢાળીયા પાસે હનુમાન મંદીર નજીકના વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની જીતેન્દરભાઇ સીપાહીભાઇ યાદવ (ઉ.વ. 37) એ પોતાના પુત્ર પિયુષ (ઉ.વ. 1 વર્ષ 3 માસ)નું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા. 7ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ તેમની પાડોશની ઓરડીમાં રહેતા સંજુભાઇ કઢાઇભાઇ તથા તેના પત્ની રેખાબેન બન્ને સાતમ આઠમના તહેવાર માટે કપડાની ખરીદી કરવા જતા હોવાથી પીયુષને સાથે લઇ ગયા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. આથી, બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.આરોપી દંપતીનું મૂળ વતન મધ્યપ્રદેશ છે. આથી બાળકનું અપહરણ કરીને આ દંપતી મધ્યપ્રદેશમાં ગયું હોવાની શક્યતાના આધારે ગત તા.8 ના રોજ બી ડિવિઝન અને એલસીબી એમ બે પોલીસની તોને તપાસ અર્થે મધ્યપ્રદેશ રવાના કરાઈ હતી. આ બન્ને ટીમો હાલ મધ્યપ્રદેશમાં આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઇન્દોર ખાતેથી આ અપહૃત બાળક મળી આવ્યો હતો. જેમાં આરોપી દંપતીએ આ બાળક સાથેની ચિઠ્ઠીને ઇન્દોર પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા. ચિઠ્ઠીમાં આરોપીએ પોતાની ભૂલની કબૂલાત કરી હતી. આ ભૂલ થઈ ગઈ એમ કહીને બાળકને મૂકીને જતા રહ્યા હતા. આ બાળક સ્થાનિક લોકોને મળી આવતા ઇન્દોર પોલીસને જાણ કરી હતી. આથી, આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ બાળકનો કબજો લેવા ઇન્દોર પહોંચી હોવાનું અને આવતીકાલે બાળકનો કબજો મેળવીને મોરબી પરત આવશે તેવું જાણવા મળ્યું છે અને અપહરણકાર આરોપીને ઝડપી લેવા ગતિવિધિ તેજ બનાવી છે.