મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે અગાઉ ઓનલાઇન સમય સિલેક્ટ કરી દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે. પરંતુ અનિવાર્ય કારણોસર અરજદાર તે દિવસે દસ્તાવેજ રજીસ્ટર કરવા હાજર રહી ન શકતા હોય તેવા દસ્તાવેજની તે પછીના દિવસોમાં નોંધણી કરવા માટે ટોકનનો દિવસ ચેન્જ કરવા માટે હાલ જિલ્લા નોંધણી નિરીક્ષકને ઇમેઇલથી અરજી કરવી પડતી હતી અને તેમની પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ દસ્તાવેજ નોંધણી માટેનો નવો સમય મળતો હતો.આ પ્રોસેસને લીધે વકીલો, રેવન્યુ પ્રેક્ટિશનરો અને અરજદારોનો સમય વેડફાતો હતો અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે રેવન્યુ બાર એસોસિયેશન મોરબીએ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરને રજૂઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઈ જે દસ્તાવેજ નોંધણી માટેનો સમય જતો રહ્યો હોય તેવા દસ્તાવેજના ટોકન અનલોકની પ્રોસેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આથી હવે ટોકન આપોઆપ રદ થઈ જશે અને બીજે દિવસે ફરી નવું ટોકન લેવાની પ્રોસેસ થઈ શકશે. આ નિર્ણયથી ગુજરાત ભરના વકીલો અને અરજદારોને બિન જરૂરી અને લાંબી પ્રોસેસમાંથી મુક્તિ મળશે. એમ રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ, સંજયભાઈ રાજપરા તથા સેક્રેટરી, નીતિનભાઈ નાયકપરાની યાદીમાં જણાવાયું છે.