મૈત્રીકરાર કરી સાથે રહેતા કપલના અપહરણ અને ખૂનની કોશિશના કેસનો ભેદ ઉકેલાયો મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૈત્રીકરાર કરી સાથે રહેતા કપલના અપહરણ તથા ખુનની કોશીશના આરોપીઓનો પીછો કરી ફીલ્મી ઢબે પકડી પાડયા હતા. આ ગુનો ગત તા. 8ના રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. જેમા ફરીયાદી અવિનાશભાઇ ભુપતભાઇ અગેચાણીયા (રહે. ત્રાજપર ખારી)એ પોતાની ફરીયાદમાં જાહેર કરેલ કે પોતાને તથા આરોપી સુરેશભાઇ અમરશીભાઇ સારલા (રહે. યોગીનગર, મોરબી)ની પુત્રી સોનાલીને પ્રેમ સંબંધ હોય. જેથી, બન્ને જણા મૈત્રીકરાર કરી સાથે રહેતા હોય. આ બાબતે મનદુ:ખ રાખી આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર, છરી, ધોકા તથા અન્ય પ્રાણધાતક હથિયારો સાથે આવી ફરીયાદી તથા સોનાલીને ફરીયાદીના રહેણાંક મકાનમાંથી અર્ટીગા કારમાં તથા અન્ય એક જગ્યાએથી સાહેદનું આઇટવેન્ટી કારમાં અપહરણ કરી લઇ જઇ વીડી જેવી ખુલ્લી જગ્યામા લઇ જઇ તલવાર, ધોકા, પથ્થર જેવા હથિયારો વડે ફરીયાદીને જીવલેણ ઇજા કરી તથા સાહેદને મુંઢ ઇજા કરી આરોપીઓ નાશી ગયેલ હતા. જે દરમ્યાન આરોપી પારસ અશોકભાઇ વરાણીયા (ઉ.વ. ૨૪, રહે. સીલ્વરપાર્ક સોસાયટી, મોરબી) ગુનામાં વાપરેલ આઇટવેન્ટી કાર સાથે મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. તેનો હાલમાં ચાલી રહેલ કોરાના વાઇરસ મહામારી અનુસંધાને મેડીકલ ટેસ્ટ કરાવી સ્વસ્થ જણાતા તેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ તથા આઇટ્વેન્ટી કાર કબજે કરવામાં આવેલ હતી. બાદમાં આ ગુનાના બાકી આરોપીઓ નાશી ગયેલ હોય. જેઓને પકડવા અલગ-અલગ કોલ ડીટેઇલ મેળવી તેમજ બાતમીદારો મારફતે તપાસ કરતા પોલીસને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે આ ગુનાના પકડવાના બાકી આરોપીઓ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુંદરવદી ગામની સીમમાં તથા વીડી વિસ્તારમા તથા હળવદ તાલુકાના ગામડા વિસ્તારોમા વીડીઓમા તથા ખેતરોમાં જોવા મળેલ છે. તેવી હકિકત મળતા સર્વેલન્સની ટીમોને રવાના કરી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ની પોલીસ સાથે સંકલન કરી આરોપીઓની તપાસ કરતા આરોપીઓ તેઓની પાસે રહેલ અર્ટીગા કારમાં નાશેલ અને તેઓનો પીછો કરી તેઓને ગુંદરવદી ગામ પાસે ગાડી તથા અન્ય આડશો ઉભી કરી તેઓની કાર રોકી આરોપીઓને પકડી પાડયા હતા. આ ગુનાના આરોપીઓ સુરેશભાઇ અરમશિભાઈ સારલા (રહે. ત્રાજપર ખારી, યોગીનગર), નરેશ ઉર્ફે નરીયો પરષોતમભાઈ ઘાટલીયા (રહે. યોગીનગર), રવિભાઇ ઉર્ફે ભાણો રમેશભાઇ વિંજવાડીયા (રહે. ત્રાજપર ખારી, સિલ્વર પાર્ક સોસાયટી), હાર્દીક સુરેશભાઇ અમરશીભાઈ સારલા (રહે. ત્રાજપર ખારી યોગીનગર), સુનિલ મનિષભાઇ પરમાર (રહે. ત્રાજપર ચોરાની બાજુમા), દીપક ઉર્ફે દીપુ શીવરામભાઇ વરાણીયા (રહે. ત્રાજપર ખારી, સિલ્વરપારર્ક સોસાયટી)ની પાસેથી ગુનામાં વાપરેલ હથિયારો તથા અર્ટીગા કાર મળી આવતા પુછપરછ કરતા ગુનાની કબુલાત આપતા આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી કોરોના વાઇરસ અંગે મેડીકલ તપાસ કરાવી સ્વસ્થ જણાતા ધોરણસર અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ ગુનાના અટક કરવાના મહિલા આરોપીઓ મધુબેન સુરેશભાઇ સારલા (રહે. યોગીનગર, ત્રાજપર ખારી), શિલ્પાબેન ઉર્ફે ભુરી સુરેશભાઇ અરજણભાઇ છીપરીયા (રહે. ઓટાળા ગામ, તા.ટંકારા) પોલીસ સ્ટેશન આવી હાજર થતા તેઓને પુછપરછ કરી ગુનાની કબુલાત આપતા કોરોના વાઇરસ અંગે મેડીકલ તપાસ કરવતા સ્વસ્થ જણાતા ધોરણસર અટક કરવામાં આવેલ હતી. તેમજ આ ગુનાના આરોપી ચિરાગ જગદીશભાઇ ગાંધી (રહે. માધાપર મોરબી) પણ મળી આવતા તેનું કોરોના અંગેનું મેડીકલ બાકી હોય તેને અટક કરવા પર બાકી રાખેલ છે. અને મળી આવેલ આરોપી પાસેથી ગુનામાં વાપરેલ મુદામાલ કબજે કરી આરોપીઓને ધોરણસર અટક કરેલ છે