દર વર્ષે ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીમાંથી છુટકારો આપવા લોકમાંગ ઉઠી મોરબી : મોરબીના પંચાસર રોડ પરની સોસાયટીના ઘરોના ગોઠણડૂબ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાડમારી સહન કરવી પડે છે. દર વર્ષે ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીમાંથી છુટકારો આપવા તંત્ર તાકીદે પગલાં લે તેવી લોકમાંગ ઉઠી છે. આ સમસ્યાને લઈને પંચાસર રોડ પર ઓઇલ મીલ પાછળના વિસ્તારમાં રહેતા સ્થાનકોએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં છેલ્લા 11 વર્ષથી વરસાદ પછી સતત પાણીનો ભરાવો રહે છે. નગરપાલિકામાં વારંવાર અરજી કરવા છતાં પણ કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. દર વર્ષે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં વરસાદનું પાણી તો ઠીક પણ કેમીકલવાળું ગંદુ પાણી પણ આવે છે. હાલમાં કોરોનાની મહામારી છે. જેના કારણે માંદગીનો ભય રહે છે. અને હવે વરસાદના લીધે રોગચાળાનો ભય વધ્યો છે. વધુમાં, આ વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં તો દીવાળી સુધી પાણી ભરાઈ રહે છે. ગંદકીના મચ્છરનો ઉપદ્રવ બહુ થાય છે. જેના લીધે માંદગી વધારે પ્રમાણમાં થાય છે. વરસાદ પડ્યા પછી પણ 8-10 દિવસ સુધી પાણી ભરાયેલું જ રહે છે. દર વર્ષે આ સમસ્યા ઉદ્ભવવાના લીધે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓની સમસ્યાને ધ્યાને લઇ તંત્ર તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.