મોરબી : દર વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન મોરબીના નવા બસ સ્ટેશનમાં બસ ઉભી રહેવાના પ્લેટફોર્મ પાસે પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. પ્લેટફોર્મ પાસે જ પાણીના તલાવડાઓ ભર્યા રહેતા હોવાથી બસ પ્લેટફોર્મ પર આવવાના બદલે પ્રવેશદ્વાર પાસે જ ઉભી રાખી ઉતારુઓ બસમાં ચડવા ઉતરવા મજબુર બન્યા છે, ત્યારે અકસ્માત થવાનું જોખમ ઉભું થયું છે. મોરબીના નવા બસ સ્ટેશન માં જમીનનું પ્રમાણસરનું લેવલિંગ કામ થયું ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદી પાણી પ્લેટફોર્મ પાસે જ એકઠું થઈ જાય છે. વર્ષો જૂની આ સમસ્યા એસ.ટી.બાબુઓના ધ્યાને નથી આવી એવું માનવાને કોઈ કારણ નથી. આમ છતાં આ સમસ્યા સામે આંખ આડા કાન ધરીને સમસ્યાનું નિરાકરણ લાવવાના કોઈ પ્રયાસ કરવામાં આવતા ન હોવાથી મુસાફરોમાં કચવાટની સાથે આક્રોશ પણ ફેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પ્લેટફોર્મ પાસે વરસાદી પાણી ભરાયેલું હોવાથી મુસાફરો પ્લેટફોર્મ પરથી બસમાં ચડી શકતા નથી. આથી બસ ડ્રાયવરો બસને પ્લેટફોર્મ સુધી લઈ જવા છતાં મુસાફરોને બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે બસ રોકાવીને બસમાં ચડવું ઉતરવું પડી રહ્યું છે. પ્રવેશદ્વાર પાસે જ બસ ઉભી રહેવાથી દિવસમાં અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. વળી અન્ય વાહનો અને બીજી બસોની આવન-જાવનને કારણે અકસ્માતનો ભય સતત ઝળુંબી રહ્યો છે. પ્રવેશદ્વાર પાસે ઉભી રહેતી બસના કારણે વૃદ્ધ, અશક્ત મુસાફરો, મહિલાઓ તેમજ બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એસી ઓફિસમાં બેસતા બાબુઓને મુસાફરોની આ સમસ્યા દેખાતી નહિ હોય? તેવું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે.