અનાજનો મોટા જથ્થો પલળી જતા કરોડાની નુકશાનીનો અંદાજ : 150 દુકાનો પાણી ઘુસી ગયા : ચેરમેને વેપરીઓની પડખે ઉભા રહીને રાતભર પાણીના નિકાલની વ્યવસ્થા કરી મોરબી : મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે માર્કેટીંગ યાર્ડમાં કેડ સમાણા પાણી ભરાતા વિવિધ જણસીઓનો મોટો જથ્થો પલળી જવાથી કરોડોની નુકશાની થયાનો અંદાજ કાઢવામાં આવ્યો છે અને માર્કેટીંગ યાર્ડની 150 દુકાનોમાં પાણી ઘુસી જતા મોટી નુકશાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે માર્કેટીંગ યાર્ડના ચેરમેનએ વેપારીઓ સાથે ઉભા રહીને રાતભર પાણીના નિકાલ માટે ભારે કમસ કસી હતી. મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદથી માર્કેટીંગ યાર્ડમાં ભારે ખાના ખરાબી થઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે પડેલા ભારે વરસાદમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા.જેમાં ઘુનડા સજ્જનપર, કેનાલ રોડ થઈને તમામ વિસ્તારનું પાણી માર્કેટીંગ યાર્ડમાં ઘુસ્યું હતું. તેથી યાર્ડ જળમગ્ન બની ગયું હતું અને આ યાર્ડની 150 દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનમાં રહેલી માલ સામગ્રી પલળી જવાથી મોટી નુકશાની થઈ હતી. તેમજ માર્કેટીંગ યાર્ડમાં રહેલા ઘઉં, એરંડા,જીરું, ચણા, તલ, ગુવાર,શિંગ દાણા સહિતનો મોટો જથ્થો પલળી ગયો હતો. અંદાજે ત્રણ થી ચાર કરોડનું આ અનાજને અને એક કરોડનું શાકભાજીને નુકશાન થયું હોવાનું જાણવા મળે છે અને 150 દુકાનો પાણી ફરી વળવાથી અંદાજે કુલ આઠ થી દસ કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે.જોકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા ગઈકાલે સવારથી રાતભર વેપારીઓ સાથે ઉભા રહીને માર્કેટીંગ યાર્ડમાં ઘુસેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. [gallery ids='65688,65689,65690,65691,65692,65693,65695,65696']