વ્યાજના ચક્કરમાં ફસાવેલ યુવાને 10 ટકા વ્યાજ ચૂકવવા છતાં ટાંટિયા ભાંગી નાખવા ધમકીમોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર આઈટીઆઈ પાસે રહેતા અને એલ્યુમિનિયમ સેક્સનનું મજૂરી કામ કરતા યુવાનના પત્નીને ડિલેવરી આવ્યા બાદ બાળક બીમાર રહેતા 10 ટકા ઉંચા વ્યાજે નાણાં મેળવવા સ્વીફ્ટ કાર, એક્ટિવા અને મોબાઈલ ગીરવે મૂકી વ્યાજે નાણાં લેતા વ્યાજખોરોએ કાર સહિતની વસ્તુઓ પચાવી પાડી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ પાસે રહેતા વસંતભાઈ જેરાજભાઈ વાઘેલાએ આરોપી ભોલુ જારીયા રહે.રવાપર, આરોપી મહિપતસિંહ જાડેજા રહે.શનાળા અને આરોપી જીવણભાઈ બોરીચા રહે.ખાખરાળા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પત્નીને ડિલેવરી આવ્યા બાદ બાળક બીમાર રહેતું હોય ભોલુ જારીયા પાસેથી દસ ટકા વ્યાજે નાણાં લઈ સ્વીફ્ટ કાર આપી હતી જે ગાડી વ્યાજખોરે પચાવી પાડી છે.એ જ રીતે આરોપી જીવણભાઈ બોરીચાએ એક્ટિવા અને એક મોબાઈલ લઈ ઉંચા વ્યાજે નાણાં આપી બાદમાં એક્ટિવા અને મોબાઈલ પચાવી પાડી આરોપી મહિપતસિંહ જાડેજાએ પણ ઊંચું વ્યાજ વસૂલી આરોપીઓએ વધુ નાણાંની માંગ કરી ટાંટિયા ભાંગી નાખવા અને જાનથી મારી નાખવા ધમકી આપતા હોય ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.