રાજકારણીનો કે ઉદ્યોગપતિનો પુત્ર મુશ્કેલીમાં હોય તો દોડતા તંત્રને ગરીબ પરિવારની લાચારીની પરવાહ નથી : ફાયર બ્રિગેડે પણ નનૈયો ભણી દીધો મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર પંદર દિવસ પૂર્વે રોજગારીની શોધમાં આવેલ ઉત્તરપ્રદેશના ગરીબ પરિવારનો યુવાન પુત્ર કેનાલમાં ગરક થયાના ૭૨ કલાક વિત્યા બાદ પણ મોરબીના સરકારી બાબુઓએ અંગ્રેજોને પણ શરમાવે તેવી ક્રૂર નીતિ અપનાવી માનવતા નેવે મુકતા ફિટકાર વરસી રહ્યો છે, ગરીબનું કોઈ ન હોવાનું સાબિત કરતા આ બનાવમાં કેનાલમાં પડેલા યુવાનને શોધવા ફાયર બ્રિગેડે હાથ ઊંચા કરી દીધા છે તો પોલીસ પણ આંટાફેરા કરી પરત ફરી છે અને જેની ગંભીર જવાબદારી બને છે તેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને તો આ બાબતની જાણકારી હોવા સામે પણ પ્રશ્નાર્થ ખડો થયો છે. સરકારી તંત્રએ માનવતા નેવે મુકવાના આ ગંભીર બનાવની વિગતો જોઈએ તો મોરબીના લખધીરપુર રોડ ઉપર રોજગારની શોધમાં ઉતરપ્રદેશથી આવેલો ગરીબ પરિવાર અહીં ખુલ્લા મેદાનમાં આશરો મેળવ્યો હતો પરંતુ નસીબની બલિહારીએ આ પરિવારનો આશાસ્પદ યુવાન અમન છોટાલાલ ગૌતમ ત્રણ દિવસ પૂર્વે કેનાલમાં ગરક થઈ જતા આ મામલે મોરબી ફાયર બ્રિગેડને અને તાલુકા પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ ઘટનાસ્થળની મુલાકાત લઈ પરત ફરી ગઈ હતી. બીજી તરફ નાની નાની કામગીરી કર્યા બાદ ફોટા મોકલી પ્રસિદ્ધિ મેળવતા મોરબીના ફાયર બ્રિગેડ વિભાગે કેનાલમાં પાણી વધુ હોવાનું બહાનું આગળ ધરી પાણી બંધ થાય તો શોધખોળ કરી શકીએ તેવું કહી કલેકટર પાસે જાવ અમે કાઈ ન કરી શકીએ તેવું રોકડું પરખાવી દેતા મોરબીથી અજાણ એવો પરપ્રાંતીય પરિવાર અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે જો કોઈ રાજકારણી કે કોઈ ઉદ્યોગપતિના સગા વ્હાલા કે પરિચિત સાથે આવી ઘટના બને તો શુ ફાયર બ્રિગેડ આવા જવાબ આપે ? આશ્ચર્ય તો એ વાતનું છે કે જ્યારે આવી કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મનેજમેન્ટ વિભાગની મહત્વની જવાબદારી હોય છે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ચોમાસામાં જ દેખાતો હોય તેવી સ્થિતિ વચ્ચે ઉપર છાપરી બીજી વખત ઘટેલી ઘટનામાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ક્યાંય પણ ચિત્રમાં આવ્યો નથી. આ અગાઉ અઠવાડિયા પૂર્વે મોરબીનો યુવાન હાથ ધોવા જતા કેનાલમાં ડૂબ્યો ત્યારે પણ ત્રણ - ત્રણ દિવસે હતભાગી યુવાનની લાશ મળી હતી અને ત્યારે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાંય ફરક્યું ન હતું. ઉલ્લેખનીય છે કે ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી મુશ્કેલીની ઘડીમાં મોરબીની કોઈ સેવાભાવી સંસ્થા ક એસોશિએશન પણ ખરા સમયે જ આગળ ન આવતા મોરબીની માનવતા ઉપર પ્રશ્નાર્થ ખડો થયો છે !