ટ્રાઈના નિર્ણયના વિરોધમાં મોરબીના ૪૦૦ કેબલ ઓપરેટરોએ બપોરે બારથી રાત્રીના ૧૨ સુધી કર્યું બ્લેક આઉટ મોરબી : ટ્રાઈ દ્વારા લોકલ કેબલ ઓપરેટરો માટે આકરા નિયમો ઘડી કાઢતા રોષે ભરાયેલા દેશભરના કેબલ ઓપરેટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લાના ૪૦૦ કેબલ ઓપરેટરોએ બપોરે ૧૨ વાગ્યાથી કેબલ પ્રસારણ ઠપ્પ કરી દેતા એક લાખ જેટલા ઘર, ઓફીસ અને દુકાનોમાં બ્લેક આઉટ સર્જાયો છે. મોરબી જિલ્લા કેબલ એસોશિએશન પ્રમુખ દિનેશ પંડ્યાના જણાવ્યા મુજબ ટ્રાઈની નીતિના વિરોધમાં આજે મોરબી જિલ્લાના ૪૦૦ કેબલ ઓપરેટરોએ એક્તા બતાવી સામુહિક રીતે બ્લેક આઉટ સર્જી દીધો છે, કેબલ પ્રસારણ બંધ કરાતા મોરબી જિલ્લામાં હાલમાં કેબલ ધરકોમાં હોબાળો મચી જવા પામ્યો છે. વધુમાં ટ્રાઈ વિરુદ્ધ લડત ચલાવતા કેબલ ઓપરેટરોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ૨૯ ડિસેમ્બરે કેબલ પ્રસારણ ઠપ્પ કરવા ચીમકી આપી હતી જે અનુસંધાને આજે બપોરે ૧૨ થી રાત્રીના ૧૨ દરમિયાન જિલ્લામાં તમામ જગ્યાએ કેબલ પ્રસારણ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. મોરબી કેબલ એસોશિએશન પ્રમુખ દિનેશ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કેબલ પ્રસારણ ઠપ્પ કર્યા બાદ હવે ઓપરેટરો દ્વારા સાંસદોને આવેદનપત્ર પાઠવી ઘેરાવ કરવામાં આવશે અને ટ્રાઈનો નિર્ણય પાછો ખેંચવા માંગ ઉઠાવનાર હોવાનું જણાવ્યું હતું.