પાલિકાને સુપરસીડ નહિ કરવા મામલે નગરસેવકોની અરજી ફગાવી, સુપરસીડ થાય ત્યારે આવજો : પુલ દુર્ઘટનાના મૃતક પરિવારજનોની સિવિલ એપ્લિકેશનને પગલે હાઇકોર્ટે ઓરેવાને નોટિસ આપી મોરબી : મોરબી ઝૂલતાપૂલની દુર્ઘટનામાં પૂલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને પક્ષકાર તરીકે જોડવા દુર્ઘટનાના મૃતક પરિવારજનોએ કરેલી સિવિલ એપ્લિકેશન અંગેની સુનાવણી કરી હાઇકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને નોટિસ ફટકારી છે. સાથે જ આજે નગરપાલિકાના 49 સભ્યો દ્વારા પાલિકાને સુપરસીડ નહિ કરવા મામલે હાઇકોર્ટમાં અરજી કરતા નામદાર હાઇકોર્ટે અરજી ફગાવી દઈ સરકાર કોઈ પગલાં ભારે ત્યાર બાદ ન્યાય માટે આવવા જણાવ્યુ હતું. 135 નિર્દોષ વ્યક્તિઓનો જીવ લેનાર ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં હાઇકોર્ટેમાં સુઆમોટો દાખલ થયા બાદ આ કેસમાં આજે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો દ્વારા પુલ રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને પણ પક્ષકાર બનાવવા સિવિલ એપ્લિકેશન કરવામાં આવતા આજે નામદાર હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી ઓરેવા કંપનીને નોટિસ ફટકારી હોવાનું મૃતક પરિવારના એડવોકેટ ઉત્કર્ષ દવેએ ટીવી9ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. દરમિયાન મોરબી નગરપાલિકાને બેદરકારી બદલ સુપરસીડ કરવા નામદાર હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવતા આજે 49 નગરસેવકો દ્વારા પાલિકાને સુપરસીડ નહિ કરવા નામદાર કોર્ટ સમક્ષ અરજી કરતા કોર્ટે સરકાર પગલાં ભરે ત્યાર બાદ ન્યાય માટે કોર્ટ સમક્ષ આવવા જણાવી નગરસેવકોની અરજી ફગાવી દીધી હોવાનું એડવોકેટ ઉત્કર્ષ દવેએ અંતમાં જણાવ્યું હતું.