મોરબી : કોરોનાની મહામારી સામે સમગ્ર જગત લડી રહ્યું છે તે ટાંકણે મોરબી-માળીયા (મી.) ની પ્રજાએ પણ સરકારની માર્ગદર્શિકાનું યથાયોગ્ય પાલન કરી રહેવાનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે. “કોરોના'ને પ્રસરતો અટકાવવા ગાઇડ લાઇન મુજબ લોકો અદબ અને સંયમથી વર્તી રહ્યા છે તેને આવકારીને “લોકડાઉન' અમલમાં છે ત્યાં સુધી લોકો સ્વયંશિસ્ત જાળવીને પોતે અને પરિવારને બચાવે એવી લોકોને લાગણી પણ ધારાસભ્યએ વ્યક્ત કરી છે. આ સમય પ્રચાર-પ્રસિદ્ધિનો નથી પણ જે લોકો સુખી છે તે યોગ્ય સખાવત કરીને રોજરોજનું કમાતા ગરીબોનું ગુજરાન ચાલે તેવી સર્વ પ્રકારની મદદ જરૂરિયાતમંદોને છાના ખૂણે પણ કરતાં રહે એ સમયનો તકાજો છે. “હોમ-કોરન્ટાઇન'ની ધારાસભ્ય પોતે પણ શિસ્ત જાળવે છે પણ અપવાદરૂપે માળીયા (મી.), મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન, હોસ્પિટલ, મોરબી કલેક્ટર કચેરી તેમજ જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમમાં આગેવાનોને તેમજ મીડિયા કર્મીઓને મળીને મુશ્કેલીઓમાં લોકોને મદદરૂપ થતાં રહે છે. વધુમાં, અન્ય જિલ્લા પ્રાંતના મજૂરો, ખેડૂતો, શ્રમજીવીઓ, નાના ધંધાર્થીઓના પ્રશ્નોમાં પણ લોકડાઉનની મર્યાદામાં રહીને ઉપયોગી થતાં રહેવા જિલ્લા વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે. સાથોસાથ કોરોના સામે લોકોને સુરક્ષિત રાખવા સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો-નર્સ, પોલિસકર્મીઓ તેમજ મીડિયાના મિત્રો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેમને પણ બિરદાવીને પ્રજા વતી ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો છે.