ડામરના 9 રોડના કામ માટે એક પણ ટેન્ડર ન ભરાયુ!! : 5 સીસી રોડની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હજુ કામ શરૂ થઈ જતા એક મહિનો નીકળી જશે મોરબી : મોરબીવાસીઓને હજુ 3 મહિના સુધી ખખડધજ રોડ ઉપર ધૂળની ડમરીઓ સહન કરવી પડશે કારણ કે 5 સીસી રોડ માટે ટેન્ડર તો આવી ગયા છે. પરંતુ તેનું કામ શરૂ થતા હજુ એક મહિનો લાગી જશે. જ્યારે ડામરના 9 રોડ માટે તો એક પણ ટેન્ડર જ મળ્યું ન હોવાથી બીજો પ્રયત્ન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. મોરબી શહેરમાં ખખડધજ થયેલા રોડ રસ્તાને નવરાત્રી સુધીમાં નવા બનાવવાનો પાલિકાએ અગાઉ બણગો ફૂંકયો હતો. ત્યારબાદ ફરી દિવાળી સુધીના રોડ બનાવવાનો બણગો ફૂંકયો હતો. પરંતુ હકીકતમાં હજુ સુધી રોડ બનાવવાનું પેપર વર્ક પણ પૂર્ણ થયું નથી. આસ્વાદ પાનથી સુપર સિનેમા સુધી, નવા ડેલા મેઈન રોડ, આસ્વાદ પાનથી માધાપર ગેઇટ સુધી, શક્તિ પ્લોટ મેઈન રોડ અને વૃંદાવન સોસાયટી રોડને સીસી રોડ બનાવવા માટે તેમજ નગરપાલિકા ઓફિસથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર, નાગરિક બેંકથી રામચોક સુધી, એવન્યુ પાર્કથી નગરપાલિકા ઓફીસ સુધી, સુપર ટોકીઝથી ત્રિકોણબાગ સુધી, શ્રદ્ધા પાર્કથી કંડલા બાયપાસ પાર્ટ-1 સુધી, શ્રદ્ધા પાર્કથી કંડલા બાયપાસ પાર્ટ-2 સુધી, ત્રિકોણબાગથી કલેક્ટર બંગલા સુધી, કલેક્ટર બંગલાથી સુપર ટોકીઝ સુધી અને વસંત પ્લોટ ચોકથી જેલ રોડ સુધી ડામર રોડ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. સીસીરોડ માટે ટેન્ડર મળી ગયા છે. પરંતુ રોડ બનાવવાનું કામ શરૂ થવામાં હજુ એક મહિનો વીતી જવાનો છે. જ્યારે ડામર રોડ માટે તો એક પણ ટેન્ડર મળ્યું નથી. જાણકારોના મતે નાના રોડને ડામરથી બનાવવા માટે કોઈ કોન્ટ્રાકટ તૈયાર થતા નથી. માટે કોઈએ ટેન્ડર ભર્યું નથી. હવે નગરપાલિકા દ્વારા બીજો પ્રયત્ન કરીને ટેન્ડર પ્રસિદ્ધ કરવાની તજવીજ આદરવામાં આવી છે. વધુમાં મળતી માહિતી અનુસાર રોડના કામ પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 3 મહિના લાગે તેમ છે. માટે મોરબીના નગરજનોને હજુ 3 મહિના સુધી ખખડધજ રોડ ઉપર જ વાહન ચલાવવા પડશે અને ધૂળની ડમરીઓ સહન કરવી પડશે.