મોરબી : શહેરના નટરાજ ફાટક નજીક ગત 24 તારીખે ટ્રેનની હડફેટે ચડી ગયેલા યુવકનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજતા મૃતકના પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૂળ માળીયા મી. તાલુકાના સરવડ ગામે રહેતો વિપુલભાઈ મગનભાઈ શેરસિયા નામનો 37 વર્ષનો યુવક ગત 24 જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં નટરાજ ફાટક નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણવશ ટ્રેનની ઠોકરે ચડી ગયો હતો. આથી ઇજાગ્રસ્ત થયેલા યુવકને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવથી શેરસિયા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ઉપરોક્ત બનાવને નજરે જોનારાઓના જણાવ્યાનુસાર ફાટક બંધ હતું એ દરમ્યાન મૃતક યુવાન સહિત બે યુવાનો એક કારમાંથી નીચે ઉતરીને ફાટક નજીક પાટા ઓળંગવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જ ટ્રેન પસાર થતા એક યુવક પાટા ઓળંગી ગયો હતો જ્યારે મૃતક વિપુલ ટ્રેનની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. જેનું રાજકોટ સ્થિત હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.