મોતી વેરાણા ચાચર ચોકમાં રાસ ગરબાના સથવારે યુવાઘન હિલોળે ચડ્યું મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત રાસ ગરબાના કાર્યક્રમમાં યુવાનો મોડીરાત સુધી મન મુકીને ઝૂમ્યા રાસ ગરબાની સાથેસાથે કોરોના કાળ દરમિયાન ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનાર આરોગ્ય, સફાઈના કર્મીઓનું અદકેરું સન્માન કરાયું મોરબી : મોરબીમાં સર્વધર્મ પ્રત્યે સમભાવ થકી રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવા સતત સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ ધર્મની બહેનો એકસાથે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અનુરૂપ રાસ ગરબાની રંગત માણી શકે તે માટે મોતી વેરાણા ચાચર ચોકમાં નામના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાધન હિલોળે ચડ્યું હતું અને મોડીરાત સુધી દેશભક્તિના ગીતો તેમજ પ્રાચીન રાસ ગરબા ઉપર સંગીતની અદભુત સુરાવલીના તાલે યુવાનો મનભરીને ઝૂમી ઉઠ્યા હતા. રાસ ગરબાની સાથેસાથે કોરોના કાળ દરમિયાન ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનાર આરોગ્ય, 108, અને સફાઈ કર્મીઓનું અદકેરું સન્માન કરાયું હતું. મોરબીમાં દર વર્ષે નવરાત્રી પર્વ ઉપર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવને છેલ્લા બે વર્ષથી કોરોનાનું વિઘ્ન નડતા આ વખતે કોરોનાની સ્થિતિ બહેતર હોવાથી તમામ સમાજના યુવક યુવતીઓ મોકળાશથી રાસ ગરબે ઝૂમી શકે તે માટે ગઈકાલે શનિવારે રાત્રે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ મુજબ નવરાત્રિથી દિવાળી સુધી ઉજવાતા રાસ ગરબાના કાર્યક્રમ મોતી વેરાણા ચાચર ચોકમાં નામક સંસ્કૃતિરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકદમ પારિવારિક ભાવનાના સ્નેહતંતુને શાશ્વત સંબંધોની મહેક સાથે ઢોલ શરણાઈ અને સુરીલા કલાકારોના સંગે યુવક-યુવતીઓ મનભરીને રાસ ગરબા રમ્યા હતા. પ્રાચીન રાસ ગરબા ઉપરાંત દેશભક્તિના ગીતો ઉપર પણ યુવાનો રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગે પણ રાસ ગરબાની રંગત માણી હતી. રાસ ગરબાનો કાર્યક્રમ કોરોનાની ગાઈડલાઈન મુજબ મર્યાદિત લોકોની હાજરી સાથે જ યોજાયો હોય પણ એનો લાભ સમગ્ર શહેરીજનો ઉઠાવી શકે તે માટે આ રાસ ગરબાનો કાર્યક્રમ મોરબી અપડેટ અને યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઇઝ ઉપર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેથી સમગ્ર મોરબીવાસીઓએ આ સંસ્કૃતિરાત્રી મનભરીને માણી હતી. આ કાર્યક્રમની સાથેસાથે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું કોરોના કાળમાં રાત દિવસ જોયા વગર ઉત્કૃષ્ઠ સેવા આપનાર આરોગ્યના કર્મીઓ, 108 ના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો. વિપુલ કારોલીયા, ડો. હાર્દિક રંગપરિયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપને સેવા માટે હર હમેશ મદદરૂપ થતા ગોકુલ હોસ્પિટલના ડો.વિપુલ માલાસણા, ડો.દિલીપ ગોપાણી, ઓમ હોસ્પિટલના ડો. હિતેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જાણીતા કલાકાર યુનુસ શેખ, શૈલેષ રાવલ, શાહરુખ શેખ, શીતલ ચુડાસમા, ચેતન દવે, તોફિક શેખ, નેહા શુકલા સહિતના કલાકરોએ અદભુત સુરાવલી સાથે ભારે જમાવટ કરી હતી અને મોડી રાત સુધી યુવાનોને રાસ ગરબે ઝુમાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતની તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.