હળવદમાં એક ઇમરજન્સી મહિલા દર્દીને આ ગ્રુપના સભ્યે તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી પાડી મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન દર્દીઓને ઇમરજન્સી બ્લડ સેવા પુરી પાડવા માટે યુવા આર્મી ગ્રુપે સેવાયજ્ઞ હાથ ધર્યો છે. લોકડાઉન દરમિયાન બ્લડ વગર દર્દીઓના જાન ઉપર જોખમ ન સર્જાય તે માટે મોરબીમા 500થી પણ વધારે મહિલા તથા પુરુષ સભ્યો ધરાવતું યુવા આર્મી ગ્રુપ, દિવસ હોય કે રાત કોઈપણ સમયે રક્તની ઈમરજન્સી જરુરીયાત પુરી કરવા માટે ખડેપગે રહે છે. ‘રક્તદાન એ મહાદાન’ એ સૂત્રને અપનાવતા લોકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અથવા બ્લડ બેંકમાં રક્તદાન કરતા હોય છે. જયારે કોઈ સમયે રક્તની તાત્કાલિક આવશ્યતા પડે તે જ સમયે શરીરમાં રક્તની ખરી કિંમત સમજાય છે. દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ અલગ-અલગ હોય છે. તેમજ વ્યક્તિને ચોક્કસ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરિયાત સમયે તેને અનુરૂપ ચોક્કસ પ્રકારના બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિના બ્લડની આવશ્યકતા રહે છે. ત્યારે જો સહેલાઈથી જરૂરી બ્લડ ગ્રૂપવાળું બ્લડના મળે તો કોઈવાર જીવનું જોખમ સર્જાતું હોય છે. ત્યારે લોકડાઉન દરમિયાન હળવદના પાર્થ હોસ્પિટલમાં દાખલ દર્દી સોનલબેનને ઇમરજન્સીમાં રક્તની જરૂરિયાત ઉભી થઈ હતી. જેના પગલે યુવા આર્મી ગ્રુપના સભ્ય વિજયભાઈ ગોરધનભાઈ અંદરપાએ તાકીદે રક્તદાન કરીને આ મહિલા દર્દીને AB+ રક્તની જરુરીયાત પુરી પાડી હતી.લોકડાઉન દરમિયાન આ ગ્રુપ ઇમરજન્સીના દર્દીઓને રક્તની જરૂરિયાત પૂરી પાડવા સતત ખડેપગે રહીને સેવા આપશે.