વિશ્વભરની શાખાઓમાં 250 ઉપરાંત સંતોએ કોરોના મહામારીનું વહેલી તકે નિવારણ માટે પ્રાર્થના કરી મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા અખાત્રીજ અને પરશુરામ જયંતીના પાવન અવસરે કોરોના મહામારી જલ્દીથી શમે અને નિવારણ થાય તે માટે વિશ્વભરની 250 શાખાઓમાં સંતો દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. મોરબીના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસ સ્વામી તેમજ નીલકંઠ સ્વામી, હરિકેશવ સ્વામી, હરિવત્સલ સ્વામી વગેરે સંતોએ કોરોનાગ્રસ્તો માટે પ્રાર્થના કરી કહ્યું કે 'ઓ દેવાધિદેવ, હવે હાઉ કરો' એવી પ્રાર્થના. કોરોનાના તાંડવને કારણે વિશ્વભરમાં હજારો પરિવારોના માળાઓ પીખાઈ ગયા છે. લાખો લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, હજારો લોકો નિરાધાર બની રહ્યા છે. ત્યારે અખાત્રીજ પરશુરામ જયંતિના પવિત્ર દિવસે અતિ દયાળુને સાધુતાની મૂર્તિ સમાન ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કોરોના મહામારીના વધતા પ્રભાવને શમાવવા માટે સંતોએ વિશ્વ શાંતિયજ્ઞ દ્વારા પ્રાર્થના કરી હતી. કોરોના ગ્રસ્ત દર્દીઓને માટે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની શાખાઓ દ્વારા અપાય રહેલી દવાઓ ઉપરાંત આજે સંતોએ દુવા પણ કરી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર પરશુરામ જયંતિ અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન અને તેની વિશ્વભરની શાખાઓમાં આજે 250 ઉપરાંત સંતોએ વિશ્વની સુખાકારી અર્થે પૃથ્વી પરથી કોરોના મહામારીનુ વહેલી તકે નિવારણ થાય અને મૃત્યુ પામેલા સ્વજનોનું શ્રેય થાય તેમજ હાલ કોરોના ગ્રસ્ત સત્વરે સ્વસ્થ થાય એવી શુભ ભાવના સાથે યજ્ઞશાળામાં હોમ હવન કર્યો હતો. યજ્ઞશાળામાં ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત દેશ-વિદેશની વિવિધ ગુરુકુળ આશ્રમોમાં 250 ઉપરાંત સંતોએ વિશ્વશાંતિ યજ્ઞના મંત્રોચાર, ભક્ત ચિંતામણી ગ્રંથના શાંતિપાઠના પ્રકરણોનું ગાન તેમજ જનમંગલ અને વૈદિક પુરુષસૂક્ત્તના મંત્રો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિઓ આપવામાં આવી હતી.