44 દુકાનો સહિત આધુનિક સુવિધા સભર નવા બસ સ્ટેન્ડનું કામ પુરજોશમાં મોરબી : મોરબીને વર્ષ 2023માં વધુ એક સુવિધારૂપે આધુનિક સુવિધા સભર બસપોર્ટ મળવા જઈ રહ્યું છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડની કાયાપલટ કરી આધુનિક શોપિંગ સેન્ટર સાથે નવું બસપોર્ટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે અને હવે ટૂંક સમયમાં જ આરસીસી વર્ક અને સિવિલ વર્ક પૂર્ણ થતા ફેબ્રુઆરી માસમાં અથવા તો ફેબ્રુઆરી બાદ ગમે ત્યારે નવા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. મોરબીના નવા બસ સ્ટેન્ડની કાયાપલટ કરવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આધુનિક સુવિધા સભર બસપોર્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ ઝડપી કામગીરી ચાલુ રાખવામાં આવતા હાલમાં નવું બસપોર્ટ તૈયાર થઇ ગયું છે. નવા બસપોર્ટમાં બસસ્ટેન્ડમાં નીચે 22 દુકાન અને ઉપર 22 ઓફિસ નિર્માણ કરવામાં આવી છે ઉપરાંત બસસ્ટેન્ડમાં અંદરની તરફે કેન્ટીન તેમજ અન્ય દુકાનો પણ બનાવવામાં આવી છે. મોરબી ડેપો મેનેજર અનિલભાઈ રબારીના જણાવ્યા મુજબ હાલમાં મોરબી નવા બસસ્ટેન્ડમાં નવા સુવિધા સભર બસપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે હવે ફક્ત આરસીસી વર્ક અને ઇલેક્ટ્રિક સિવિલ વર્કની કામગીરી બાકી છે.હાલમાં નવા બસસ્ટેન્ડમાં મુસાફરો માટેની કામચલાવ છાપરા સહિતના બાંધકામ હટાવી હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને નવા બસપોર્ટની તમામ કામગીરી સંભવતઃ ફેબ્રુઆરી અંત સુધીમાં પૂર્ણ થયે લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવનાર હોવાનું તેમને ઉમેર્યું હતું.