ગઢની રાંગમાં ફરીથી લુખ્ખાઓનો ત્રાસ : વેપારીઓના સમૂહએ પોલીસને રજુઆત કરતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ હુમલાખોર શખ્સને ઝડપી લીધો મોરબી : મોરબીમાં મારા વિરુદ્ધ અગાઉ તે પોલીસ ફરિયાદ કેમ કરી તેમ કહી એક શખ્સે ગઢની રાંગમાં વેપારી અને તેમના પુત્ર ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતાની સાથે જ એ ડિવિઝન પોલીસે હુમલાખોર શખ્સને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની નાની બજાર સૈફી મહોલ્લો રહેતા અને વેપાર ધંધો કરતાઇશાકભાઇ હસનઅલી મીઠાઇવાલા ઉ.વ ૫૪ નામના વેપારીએ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામા ઉ.વ.૨૧ રહે.સીપાઇવાસ મોરબી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે , ગત તા.૨૭ ના રોજ મોરબી ગઢની રાંગ કાપડબજારમા રોયલ ગારમેન્ટ કાપડની દુકાને ફરિયાદી હતા. ત્યારે આરોપીએ ફરીયાદીની દુકાને જઇ કહેલ કે અગાઉ કેમ મારા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવા ગયેલ તેમ કહી ફરીયાદી તથા તેમના દીકરાને ગાળો આપી પોતાના હાથમા રહેલ લાકડાનો ધોકો ફરીયાદીને માથામા તથા તેમના દીકરાની પીઠમા બે ઘા મારતા મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે હુમલાખોર આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઢની રાંગમાં છેલ્લા કેટલા સમયથી અમુક લુખ્ખાઓ દ્વારા વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવાની ફરિયાદો પણ ઉઠી હતી. અને આ વિસ્તારમાં લુખ્ખાઓનો ત્રાસ વધી રહ્યો છે. જે બાબતે અગાવ પણ વેપારીઓએ પોલીસને રજૂઆતો કરી હતી. જોકે પોલીસે પણ આવા લુખ્ખાઓ સામે અગાવ કડક કાર્યવાહી કરી હતી. તેમ છતાં જાણે પોલીસની કોઈ ધાકના હોય તેમ ફરીથી અસામાજિક તત્વોએ માથું ઉચકતા વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.