યોજના અંતર્ગતના અધૂરા કામો તાકીદે પૂરા કરવા માંગ મોરબી : મોરબીની મચ્છુ-2 સિંચાઈ યોજનાની પાણી સમિતિ નવેસરથી બનાવવા બાબતે કાંતિલાલ દેવશીભાઇ પડસુમ્બીયા (તાલુકા પંચાયત સદસ્ય, નાની વાવડી) દ્વારા મોરબીના સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના મચ્છુ-2 યોજના અંતર્ગત ખેડૂતોને પાણી વિતરણ કરતી કેનાલમાં ડીપ ઈરીગેશન યોજના ત્રણ વર્ષથી પણ પુરી થયેલ નથી. સાઈફોનના કામ અધુરા છે. લીફટ ઈરીગેશન માટેની વોટર કોચ (સીડી વર્કસ) કુંડી બનાવવાની બાકી છે. નવુ લીફટ ઈરીગેશન માટેના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. એસ્ટીમેટ મૂજબના કામ થયેલ નથી. 100 મીટરથી વધુ લંબાઈના માઈનોર (ધોરીયા)ને એકથી વધુ વોટર કોચ (કુડી) છે કે નહી તેનુ કોઈ સ્પષ્ટીકરણ નથી. હાલમાં રવી પાક માટે પાણી છોડયુ છે તે પહેલા કેનાલ, સાઈફોનની સફાઈ પણ થઈ નથી. સફાઈ થઈ હોય તો ફકત કાગળ ઉપર જ થઈ છે. મુખ્યમાં આ પાણી વિતરણ વ્યવસ્થા માટે પાણી સમિતિની નવી રચના પણ કરવામાં આવેલ નથી. આ વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરા જે પ્રજાનાં પ્રતિનિધી છે. તેમને પણ કોઈ પણ કામનાં આયોજનમાં વિશ્વાસમાં લેવામાં આવતા નથી. પાણી સમિતિમાં આવતા દરેક ગામના સરપંચોને પણ આ પાણી સમિતીમાં સામેલ કરાય તેવી માંગણી છે. ખેડૂતોના હિતમાં કેનાલની અવર સાઈડમાં કમાન્ડ એરીયામાં વધારો કરાય તો વધુ ખેતીની જમીનને પીયત મળે તેવી પણ માંગણી કરાઈ છે. આ વિષયના અનુસંધાને તાત્કાલીક કાર્યવાહી કરી ખેડૂતો હિત જળવાય તેવી માગણી પુરી કરવા અપીલ કરાઈ છે.