ઇન્ચાર્જના ઇન્ચાર્જ..... મોરબી પાલિકાના સત્તાધીશો પણ નગરપાલિકાથી થાક્યા હોવાનો સુર : સાંસદ,રાજ્યમંત્રીને સાથે રાખી મુખ્યમંત્રી સમક્ષ માંગ દોહરાવાશે મોરબી : મોરબી માંગે મહાનગર પાલિકા ઝુંબેશ ધીમે-ધીમે મક્કમગતિએ આગળ ધપી રહી છે. મોરબીની અગ્રણી સંસ્થાઓ, આગેવાનો બાદ હવે ખુદ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પણ મોરબીને મહાનગરનો દરજ્જો મળે તે માટે રાજ્યમંત્રી અને સાંસદને સાથે રાખી રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ દોહરાવવામાં આવશે તેવું જાહેર કર્યું છે. મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોરબી સંપૂર્ણપણે મહાનગર બનવાને હક્કદાર છે, મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા અગાઉ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવી ટૂંક સમયમાં જ મોરબીના વતની રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજાને સાથે રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરાવામા આવનાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં મોરબી પાલિકાના ઉપપ્રમુખ હોવા છતાં નિખાલશ પણે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે હાલમાં મોરબી પાલિકામાં પૂરતો સ્ટાફ ન હોવાથી અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ ઇન્ચાર્જના ઇન્ચાર્જ તરીકે ચલાવવામાં આવી રહી છે પરિણામે કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે અને પ્રજાજનોને પૂરતી સુવિધા, સેવા નિશ્ચિત સમયે આપી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાં જન્મમરણ વિભાગથી લઈ સૉલિડવેસ્ટ મેનેજમેન્ટ, લગ્ન નોંધણી, ડ્રેનેજ, પાણી પુરવઠો, એકાઉન્ટ, ઈજનેર સહિતની મહત્વપૂર્ણ જગ્યાઓ વર્ષોથી ઇન્ચાર્જ હવાલે હોવા ઉપરાંત એક એક અધિકારી કર્મચારી પાસે બે કે તેથી વધુ વિભાગોના હવાલા હોવાથી નક્કર અને પરિણામલક્ષી કામગીરી થઇ શકતી નથી. આ સંજોગોમાં ખુદ મોરબી નગરપાલિકાના હોદેદારો જ મોરબી શહેરને વહેલામાં વહેલી ટકી મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે પ્રયત્નશીલ બની ગાંધીનગર સુધી અસરકારક રજુઆત માટે તખ્તો ગોઠવતા મોરબી માંગે મહાનગર પાલિકા ઝુંબેશ વધુ મજબૂત બની હોવાનું જણાઈ રહ્યું છે.