મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની સવારની ટ્રીપ રદ થતા અને બીજી ટ્રીપ પણ સમયસર ન ચલાવતા સેંકડો મુસાફરો રઝળી પડ્યા હતા ત્યારે રેલવે તંત્ર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે આની જાણકારી અગાઉથી આપવામાં આવી હતી. જો કે ડેઇલી અપડાઉન કરતા મુસાફરો સહિત અન્ય પેસેન્જરો સુધી આ જાણકારી ન પહોંચતા આજે સેંકડો મુસાફરો અટવાયા હતા અને ખાનગી વાહનચાલકોએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ઉઘાડી લૂંટ ચલાવી હોવાની બુમરાણ ઉઠી છે. મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનનું કંપલેશન સ્ટ્રીફિકેટ ડયું થઈ ગયું હોય એક્ઝામીનેશન માટે ટ્રેનને અમદાવાદ સ્થિત સાબરમતી ખાતે મોલકવામાં આવી હતી.જેને લઈને ગઈ કાલે ડેમુ ટ્રેનની ટ્રીપ કેન્સલ કરાઈ હતી. જો કે આજે 27 જાન્યુઆરીના રોજ સવારે વાંકાનેરથી સવારે 06 વાગ્યે નીકળતી ડેમુ ટ્રેનની ટ્રીપ કેન્સલ થઈ હતી જયારે સવારે 08 કલાકે વાંકાનેરથી રવાના થતી અને 10 વાગ્યે મોરબી પહોંચતી બીજી ટ્રીપ પણ આ લખાય છે ત્યારે મળતી માહિતી પ્રમાણે મોડી દોડી રહી હોવાથી હજુ મકનસર સ્ટેશને જ પહોંચી હોવાથી સેંકડો મુસાફરો રેલવે સ્ટેશને અટવાઈ પડ્યા હતા. આ સ્થિતિનો ખાનગી વાહન ચાલકોએ ભરપૂર ફાયદો ઉઠાવતા ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવી હતી. જેથી મુસાફરોમાં રેલવેની કાર્યપધ્ધતિ સામે ભારે કચવાટની લાગણી ફેલાઈ હતી. હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે લોકલ ટ્રેનોમાં ભરચક ટ્રાફિક હોય છે. એવા સમયે જ રેલવે તંત્રના અણઘડ આયોજનથી સેંકડો મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. મોરબીથી વાંકાનેર સુધી પહોંચી આગળની કનેકટિંગ ટ્રેન ચુકી જવાથી સેંકડો પેસેન્જરોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.