મહામહેનતે ઉછેરવામાં આવેલા વૃક્ષને અજાણ્યા શખ્સો કાપી ગયા મોરબી : મોરબીના જોધપર મચ્છુ ડેમ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ વૃક્ષને કાપી નાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ જગ્યાએ પર્યાવરણપ્રેમીઓએ મહા મહેનતે વૃક્ષો વાવી અને તેનું જતન કર્યું હોવાથી આ વૃક્ષને કાપવાની ઘટનાથી પર્યાવરણપ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે. મોરબીના રફાળેશ્વર રોડ જોધપર મચ્છુ ડેમ પાસ અજાણ્યા શખ્સોએ વૃક્ષ કાપી નાખ્યું હતું. મોરબીના પર્યાવરણ પ્રેમી જીવરાજભાઇ લીખીયાએ પોતાની જાત મહેનતથી આ સ્થળ પર આશરે ૧૦,૦૦૦ જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કરે છે. તેઓ દરરોજ આ વૃક્ષોની માવજત કરવા જાય છે તે દરમિયાન તેઓ વૃક્ષોની દેખભાળ કરવા માટે આવ્યા ત્યારે વૃક્ષને કપાયેલી હાલતમાં જોતા તેમણે અત્યંત દુખની લાગણી અનુભવી હતી. જીવરાજભાઈએ જાત મહેનતની વાવેલા વૃક્ષને કાપી નાખવામાં આવતા તેને આ ઘટનાને વખોડી છે. તેઓએ આ અંગે જણાવ્યું કે વૃક્ષોનું જતન કરવુંએ દરેક મનુષ્યની ફરજ છે અને હવે કોઈ પણ વૃક્ષ ન કાપવાની અપીલ કરી છે. કોઈ જગ્યાએ વૃક્ષો કાપતા દેખાય તો તેને અટકાવવાનું જણાવ્યું હતું. અંતમાં તેમણે પર્યાવરણની સમતુલા જાળવવા દરેક લોકોને વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો અનુરોધ કર્યો હતો.