મોરબી : 31મેના દિવસે વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુના સેવનથી થતા નુકશાન અને એ બાબતે જાગૃતિ અણવાના ઉદ્દેશથી વિશ્વભરમાં આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરાય છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આજના દિવસે વિશેષ કાર્યકમ, રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં તમાકુની વિનાશક અસરો વિશે જાગૃતિ આવે એ માટે પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમના સંદર્ભે મોરબી જિલ્લા પંચાયતથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો પર એક રેલી યોજવામાં આવી હતી. જે સિવિલ હોસ્પિટલ થઈ પરત જિલ્લા પંચાયત સુધી પહોંચી હતી. આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતિરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.વી.બાવરવા, આર.સી.એચ.ઓ. ડૉ. વી.એલ.કારોલીયા, એપડેમીક મેડિકલ ઓફિસર ડૉ. સી.એલ.વારેવાડિયા તથા એ.ઓ.આર.સી.એચ.ઓ. મનીષભાઈ જોષી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના કર્મચારીઓ, એ.એન.એમ. નર્સિંગ તાલીમ શાળા મોરબીની વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફગણ હાજર રહ્યો હતો. આ ઉપરાંત આઈ.ટી.આઈ મોરબીના વિદ્યાર્થીઓ પણ સ્ટાફગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં તમાકુ ખાવા જે બીડી, સિગારેટ પીવાથી થતા શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક નુકશાન અંગેના વિવિધ પ્રેરણાત્મક સૂત્રો લખેલા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ઉપરાંત તમામ તાલુકા કક્ષાએ પણ આ દિવસ નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરાએ સુખમય અને સ્વસ્થ આરોગ્ય જીવન વ્યતીત કરવા માટે તમાકુની તમામ પ્રકારની પ્રોડકટથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી છે. [gallery ids='57047,57048']