અગાઉ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઉપર હાઇકોર્ટે રાજકોટ અને મોરબીમાં પ્રવેશવાનો પ્રતિબંધ મુક્યો 'તો, છતાં રાજકોટમાં આવીને છેડતી કરીને પરેશાન કરતો હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી રાજકોટ : મોરબી તાલુકાની સરકારી શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં અને રાજકોટ રહેતા એક મહિલાને મોરબી જીલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે લગ્નના વાયદા કરી શરીર સંબંધો બાંધી બાદમાં લગ્નની ના પાડી દેતાં મોરબી પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. જેમાં તેઓનો શરતી જામીન પર છુટકારો થયા બાદ રાજકોટ-મોરબીમાં પ્રવેશવાનો હાઇકોર્ટનો મનાઇ હુકમ હોવા છતાં વારંવાર રાજકોટ આવી શિક્ષીકાનો પીછો કરી પજવણી કરી, મોબાઇલમાં મેસેજ ફોટા મોકલી તેમજ ઘરે ફુલ-ચોકલેટની ગિફટ મોકલાવી હેરાન કરતા હોવાની મહિલાએ રાજકોટમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ તાલુકા પોલીસ મથકે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી પંથકના ગામની એક શાળામાં પ્રાથમિક શિક્ષીકા તરીકે ચાર વર્ષથી સરકારી નોકરી કરે છે. ત્રણેક વર્ષ પહેલા મોરબીમાં શિક્ષકોની ચિંતન શિબીર હતી ત્યારે તેઓની મુલાકાત જીલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય કેશવજીભાઇ સરડવા સાથે થઇ હતી. તે પછી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં વિજય સરડવાએ લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી રાજકોટ લઇ જઇ અવાર-નવાર શરીર સંબંધ બાંધયો હતો. ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી તેઓના બીજે લગ્ન થઇ જતાં તેઓના પતિના મોબાઇલમાં તેણે બિભત્સ વિડીયો મોકલી ઉડાવ વાતો કરી ધમકી આપી લગ્ન તોડાવી નાખ્યા હતાં. જેથી તેઓએ વિજય સરડવા વિરૂધ્ધ મોરબી એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૮માં તેના વિરૂધ્ધ મોરબી પોલીસે ૩૭૬ (સી) (૨), ૩૭૬ (૨) એન, ૫૦૪, ૫૦૬ (૨) અને આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં મોરબી સેશન્સ કોર્ટ ખાતેથી તેઓને હેરાન પરેશાન ન કરવા અને તેઓના કોઇ પણ પુરાવાનો નાશ ન કરવા સહિતની શરતોને આધીન વિજય સરડવાના જામીન મંજુર થયા હતાં. જેથી તેઓએ ગુજરાત હાઇકોર્ટ ખાતે વિજયના જામીન નામંજુર કરવા માટે અરજી કરી હતી. પણ હાઇકોર્ટએ હુકમ યથાતવ રાખ્યો હતો અને વિજય સરડવાને રાજકોટ તથા મોરબીમાં પ્રવેશ ન કરવો તેવો હુકમ કર્યો હતો. આ ઘટના બાદ તા. ૨/૨/૧૯ના રોજ તેઓ નોકરીએથી ઘરે પરત આવતા હતા. ત્યારે રાજકોટમાં શિતલ પાર્કથી રૈયા ચાર રસ્તા સુધી વિજય સરડવા બાઇક નં. જીજે ૦૩ એફએમ ૨૫૩૬ લઇને પીછો કરતા હતા. જેથી તેઓએ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવી જતાં વિજય સરડવા ભાગી ગયા હતા. ત્યારબાદ ૧૪/૨ના વેલેન્ટાઇન ડેના દિવસે તથા ૨૦/૩ના અને ૮/૫ના રોજ રાત્રીના સમયે તેઓના ઘરે ફુલ, ચોકલેટ, ફોટા નાખીને જતો રહ્યા હતા. ત્યારબાદ તેઓના મોબાઇલ પર અવાર નવાર વોટ્સએપ, ટેલિગ્રામથી મેસેજ મોકલી તેમજ ફોન કરતા હતા. વિજય સરડવાને રાજકોટ, મોરબી શહેરમાં પ્રવેશવા સામે હાઇકોર્ટનો મનાઇ હુકમ હોવા છતાં તે કોર્ટના હુકમની અવગણના કરી રાજકોટમાં તેઓની પાછળ અવાર-નવાર પીછો કરી હેરાન પરેશાન કરી પજવણી કરતો હોઇ તેની સામે ફરિયાદ નોંધાવવી પડી છે.તેમ ફરિયાદમાં મહિલા દ્વારા જણાવાયું છે.