પોલીસે વિજય સરડવાના ઘરેથી હાર્ડ ડિસ્ક, ઓફિસેથી લેપટોપ કબ્જે કર્યા : રાજકોટના ફ્લેટની પણ તપાસ કરી મોરબી : મોરબીના ચકચારી હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં તપાસનીશ મોરબી એ- ડિવિઝન પોલીસના હાથમાં રંગીલા વિજયલાલની લીલા આવી જતા આ કેસ મજબૂત બની ગયો છે તો બીજી તરફ આજે રિમાન્ડ પૂર્ણ થતાં વિજય સરડવાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીએ દુષ્કર્મ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ હાઇપ્રોફાઇલ કેસમાં આરોપી વિજય સરડવાના ઘર, ઓફીસ અને ભોગ બનનાર સાથે રહેવા રાજકોટમાં જ્યાં ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો તે ત્રણેય સ્થળોની જડતી કરવામાં આવતા વિજયલાલના ઘેરથી હાર્ડ ડિસ્ક, ઓફિસેથી લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું એ ઉપરાંત રાજકોટ માધાપર ચોકડી નજીક ભાડાના ફ્લેટમાં પણ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રંગીન મિજાજી વિજયલાલની લીલા નો વિડીયો પોલીસના હાથ લાગ્યો હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે અને આ વીડિયો પણ એફએસએલમાં ચકાસણી કરવા માટે મોકલ્યો હોવાનું અને દુષ્કર્મ કેસમાં આ પુરાવો મજબૂત હોવાનું પણ ગુપ્ત વર્તુળો જણાવી રહ્યા હોય વિજયલાલને આ લીલા મોંઘી પડી હોવાનું મનાઇ રહ્યુ છે.