21 જુલાઈના રોજ સામખીયાળી પાસે બનેલા બનાવમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : મોરબીના ગૌરક્ષકો ઉપર 21 જુલાઈના રોજ સામખીયાળી પાસે ગોવંશ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે કેટલાક શખ્સોએ હીંચકારો હુમલો કરીને લૂંટ પણ ચલાવી હતી. આ ગંભીર બનાવમાં હજુ સુધી સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી, ગૌરક્ષકો ઉપર હુમલાના વિરોધમાં વિહિપ અને શિવસેનાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતનાને આવેદન આપીને હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મોરબી શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદે રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે ગત તા. 21 જુલાઈના રોજ સામખીયાળી નજીક એક ગૌવંશ ભરેલી ગાડી પસાર થવાની હોવાની બાતમી મળતા મોરબી શિવસેના અને વિહિપ તથા ગૌરક્ષકોની ટીમ સામખીયાળી પાસે વોચમાં ગોઠવાઈ હતી. તે દરમ્યાન ગૌવંશ ભરેલી ગાડી નીકળતા તેનો પીછો કરતા ચિત્રોડ ગૌવંશ ભરેલી ગાડી સાથે આવેલા કેટલાક શખ્સોએ ગૌરક્ષકોની ગાડી ઉપર જીવલેણ હુમલો કરી ગાડીમાં નુકશાન કરી લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. તે દિવસે મોડી રાત્રે બનેલા આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બાદમાં સવારે આવેલી પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી હતી. પણ પોલીસે આ બનાવમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આથી, આ બનાવ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.