ધારાસભ્યમેરજાએ રૂ. 2 કરોડની ગ્રાન્ટ અપૂરતી હોવાનું જણાવીને રૂ. 4 કરોડની ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાથી સુસજ્જ વેટરનરી પોલિક્લિનિક બનાવવા માટે વખતો વખતની રજૂઆતો બાદ જમીન ફાળવણી તેમજ બજેટની જોગવાઈ સાથે વહિવટી મંજૂરી મળી હોવાનું જણાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ કામ વિના વિલંબે ચાલુ થાય તે માટે પશુપાલન નિયામક માર્ગ - મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર સંકલનમાં મજકુર વેટરનરી પોલિ ક્લિનિકના નકશા અંદાજો તૈયાર કરીને તેને સત્વરે મંજૂરી મળે તે માટે સઘન ફોલોઅપની કામગીરી કરી છે. જેની ફળશ્રુતિ રૂપે ટૂંક સમયમાં મોરબીના ખેડૂતો અને પશુપાલકોને તેમના પશુઓ માટે અદ્યતન સારવાર મળી રહે તે માટે વેટરનરી પોલીક્લિનિકની સુવિધા ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય કે ધારાસભ્યોની સતવાર વાડી વિસ્તારના લોકોસંપર્ક દરમિયાન આ બાબતની રજૂઆત થતાં એમણે ગાંધીનગર સચિવાલય કક્ષાએ વેટરનરી ડાયરેક્ટર તેમજ માર્ગ - મકાન વિભાગના ઇજનેરોને આ બાબતે વિગતે રજૂઆત કરીને તાકીદે આ વેટરનરી પોલિક્લિનિકનું કામ ચાલુ થાય તેવો ભારપૂર્વક આગ્રહ સેવ્યો છે. આમ, લાંબા સમયથી મોરબીને આધુનિક હાઈટેક વેટરનરી પોલીક્લિનિકની જિલ્લા કક્ષાની સુવિધાની જે માંગણી હતી તે હવે સંતોષાશે. સાથોસાથ રૂ. બે કરોડની ફાળવણી અપૂરતી હોય વધુ બે કરોડ રૂપિયા પણ બજેટરી જોગવાઈ મુજબ ફાળવી દેવી જોઈએ તેવી પણ માંગણી કરીને ધારાસભ્યએ એમ જણાવ્યું છે કે જ્યારે જમીન પણ સંપાદન થઈ ગઈ છે અને બીજી કોઈ પણ અડચણ નથી ત્યારે પુરેપુરી રૂ. ચાર કરોડની ગ્રાન્ટ ફાળવીને આ વેટરનરી પોલીક્લિનિક સત્વરે કાર્યાન્વિત થાય તે ખૂબ જરૂરી છે. આમ, પશુ ચીકીત્સા સહાય સુધારણા હેઠળ મોરબી ખાતે વેટરનરી પોલીક્લિનિકના નવીન મકાન બાંધકામની આનુષાંગિક કામગીરી સત્વરે હાથ ધરાશે. જેનો લાભ મોરબી વિસ્તારની પશુપાલકો અને ખેડૂતોને સાંપડશે. વધુમાં ધારાસભ્ય માળીયા (મી) તાલુકાના નાની બરાર ગામે સરકારી હાઇસ્કૂલના નવા મકાનમાટે બજેટમાં ફાળવણી કરીને આ કામ સત્વરે ચાલુ થાય તે માટે સતત ફોલોઅપ કરતાં હાલ કામના નકશા અંદાજો તૈયાર થતા નાની બરાર ગામની સરકારી હાઇસ્કૂલને અદ્યતન મકાનની સુવિધા પણ સાંપડશે.