મોરબી નજીકનો આખો સર્વિસ રોડ ભંગારમાં ફેરવાયો : જીવલેણ ખાડાઓમાં રબડી સાથે વરસાદી પાણી ભરાતા દરરોજ ફસાતા અનેક વાહનો મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવેને જોડતા સર્વિસ રોડની હાલ સતત વરસાદથી એકદમ ખરાબ હાલત થઈ ગઈ છે. મોરબી નજીકના આખા સર્વિસ રોડની પથારી ફરી ગઈ છે. જેમાં ફૂટ-ફૂટ જીવલેણ ખાડા પડયા છે અને આ ખાડાઓમાં રબડી સાથે વરસાદના પાણી ભરાતા વાહનચાલકોની કપરી હાલત સર્જાઈ ગઈ છે. ખાડાઓને તારવવા જતા વાહનો ખાડામાં ખુંપી જાય છે. આ સર્વિસ રોડ એકદમ ભંગારમાં ફેરવાય ગયો હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મોરબી નજીકના નેશનલ હાઇવેના સળંગ સર્વિસ રોડની હાલત પહેલાથી ખરાબ હતી. ત્યારે હમણાંથી પડી રહેલા વરસાદથી આ સર્વિસ રોડની હાલત વધુ જોખમી બની ગઈ છે. સર્વિસ રોડ ઉપર ફૂટ-ફૂટના મસમોટા ગાબડાં પડી ગયા છે. સર્વિસ રોડ ઉપર પાણીનો નિકાલ ન હોવાથી વરસાદના પાણી અને ગટરના પાણી ભરાય રહે છે. ખાડામાં પાણી ભરાયેલા હોય દૂરથી ખાડો દેખાતો ન હોવાથી વાહનો તેમાં ફસાઈ જાય છે. આવી રીતે દરરોજ અનેક વાહનો રબડી સાથે પાણી ભરાયેલા ખાડામાં વાહનો ફસાઈ જાય છે. આજે પણ લાલપર અને ત્રાજપર ચોકડી પાસેના ખાડામાં બે કાર બુરી રીતે ફસાઈ હતી. આથી, મહામહેનતે ટ્રાફિકના જવાનોએ અને સ્થાનિક લોકોએ આ ગાડીઓને ખાડામાંથી બહાર કાઢી હતી. તેમજ માળીયા ફાટક અને ત્રાજપર ચોકડી વચ્ચેના રોડ પર જી. કે. હોટલ સામે એક ટ્રેક્ટર ખાડામાં ફસાઈ જવાના લીધે પલ્ટી મારી ગયું છે. મોરબી નજીકના મોટાભાગના સર્વિસ રોડ એકદમ ખરાબ થઈ ગયો છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચોકડી, કુબેર સિનેમા, લખધીરપુર ચોકડી, લાલપર સહિતના મોટાભાગના સર્વિસ રોડ પર સારો માર્ગો શોધ્યો જડે તેમ નથી. તે હદે આ સર્વિસ રોડ પતી ગયો છે. આ સર્વિસ રોડ ઉપર જ્યાં નજર કરો ત્યાં જીવલેણ ખાડા સિવાય સારો માર્ગ ક્યાંય દેખાઈ એમ જ નથી. તેથી, લોકોની હાડમારી વધી ગઈ છે. આ ખાડાઓને કારણે સર્વિસ રોડ ઉપર વાહન સરેરાશ સ્પીડથી પણ ચલાવી શકાય એમ નથી. જો વાહનચાલક ભૂલેચુકે જરાય ગફલત કરે તો તેનું આવી જ બન્યું સમજો, તેવી આ રોડની નાજુક હાલત છે. આથી, જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટી આ સર્વિસ રોડની હાલત સુધારે તેવી માંગ ઉઠી છે.