તંત્રએ કપચી પાથરી, પણ નક્કર કાર્યવાહી ન થતા ગટરની સમસ્યા ઠેરની ઠેર લોકો શાકભાજી લેવા પણ ન જઈ શકે તેવી સ્થિતિ મોરબી : મોરબી પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પાપે શાક માર્કેટની હાલત નર્કથી પણ બદતર થઈ ગઈ છે. લોકો શાકભાજી પણ લેવા પણ ન જઈ શકે તે હદે શાક માર્કેટમાં ગટરના પાણી અને કીચડનું સામ્રાજ્ય છે. માર્કેટના પાછળના ભાગે ગટરના પાણી અને કીચડને કારણે વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે તંત્રએ કપચી પાથરી છે પરંતુ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા આ મામલે માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે. મોરબીના શાક માર્કેટ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં ઘણા સમયથી ગટરની સમસ્યાનો સળગતો પ્રશ્ન છે. પણ હમણાં વરસાદી વાતાવરણમાં આ સમસ્યાએ વેપારીઓ અને સ્થાનિક લોકોનું જીવવું હરામ કરી દીધું છે. એક તો પહેલેથી ગટર ચોકઅપ હોય ઉપરથી પડેલા વરસાદનું પાણી જવાને બદલે પાછું ઠેલાતું હોય શાક માર્કેટ અને આજુબાજુ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે. વેપારીઓની આ સ્થિતિને માજી ધારાસભ્યએ કમનસીબી ગણાવતા જણાવ્યું હતું કે વેપારીઓનો આ પ્રશ્ન માત્ર પાંચ પચીસ હજારના ખર્ચે ઉકેલી શકાય તેમ છે. આ માટે કોઈ કરોડોનો ખર્ચ કરવો પડે તેમ નથી ત્યારે ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને પણ પ્રશ્ન ઉકેલવા સૂચના આપવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું. શાક માર્કેટ વિસ્તારમાં હાલ ગટરના પાણી ભરાતા અને કીચડના થર જામતા આ વિસ્તારની પથારી ફરી ગઈ છે. લોકો શાકભાજી લેવા પણ ન જઈ શકે તે હદે શાક માર્કેટમાં ગારા કીચડના થર જોવા મળી રહ્યા છે ગંદકીને કારણે રોગચાળો વકરે તેવી દહેશત છે. શાકભાજી લેવા આવતા લોકોને શાકભાજીની સાથે ગંદકી ફ્રીમાં લઇ જવી પડે તેવી હાલત છે. ખાસ કરીને વેપારીઓના વેપાર ધંધાને ખુબજ માઠી અસર પડી રહી છે. જો કે આજે તંત્રએ આળસ મરડી અને આ વિસ્તારમાં કપચી પાથરી દીધી હતી. પણ વેપારીઓના કહેવા મુજબ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તો જ તેમની મુશ્કેલીઓનો અંત આવશે. અંતમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને આઠ દિવસમાં આ પ્રશ્ન ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું છે જો સમયમર્યાદામાં પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં વેપારીઓને સાથે રાખી ઉભરાતી ગટર અને ગંદકી પ્રશ્ને કાંતિલાલ નવા જુનીના મૂડમાં હોવાના પણ સાફ-સાફ સંકેતો આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..