અતિવૃષ્ટિના કારણે પશુઓ ને પશુપાલકોની હાલત કફોડી : આ અંગે તાકીદે નિર્ણય લેવાની માંગ મોરબી : હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે તંત્ર દ્વારા ચારા માટે વલખાં મારતા પશુઓ પર વિશેષ ધ્યાન દેવામાં આવે અને ચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે વડવાળા યુવા સંગઠને ક્લેકટરને આવેદન પાઠવ્યું હતું. વડવાળા યુવા સંગઠનના આગેવાન રામભાઈ રબારીની આગેવાનીમાં જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવાયુ હતું કે ગત સપ્તાહમાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે મૂંગા પશુઓની હાલત કફોડી બની ગઈ છે. ઘણા મૂંગા પશુઓ ચારાના અભાવે મૃત્યુ પામેલ છે. ઉપરાંત ગયા વર્ષે અતિવૃષ્ટિમાં અનેક અબોલ જીવોનો ભોગ લેવાયો હતો. જેનું વળતર આજ દિન સુધી પશુપાલકોને મળ્યું નથી. ગુજરાતમાં હજુ અતિવૃષ્ટિની શકયતા છે. જેથી હજી વધુ પશુઓના ભોગ લેવાય તે પૂર્વે સરકાર દ્વારા પશુઓ માટે ગોળદાણા અને ચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે આ આવેદનમાં બહોળી સંખ્યામાં માલધારીઓ , શિવસેનામાં આગેવાનો અને જીવદયાપ્રેમીઓ જોડાયા હતા.