2.35 લાખ રૂપિયાના 9.87 લાખ અને 70 હજારના 1.80 લાખ ચૂકવ્યા તો પણ સોનાની વીંટી પડાવી ચેક લખાવ્યા મોરબી : મોરબીમાં વ્યાજખોરોના રાફડા વચ્ચે સગાવહાલાઓ પણ જરૂરતના સમયે કામ આવવાને બદલે વ્યાજને વ્હાલું કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં નિવૃત શિક્ષકને શેરબજારમાં ખોટ આવતા સાસરીપક્ષના સગા પાસેથી 13 વર્ષ પહેલા વ્યાજે લીધેલા નાણા ચાર ગણાથી વધુ ચૂકવવા છતાં મોરબીના માથાભારે શખ્સને સાથે રાખી વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરતા રેન્જ આઇજીના લોક દરબારમાં રજુઆત બાદ વ્યાજખોર વલ્લભ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબીના જીવાપર ગામના અને હાલમાં સત્કાર પાર્ટી પ્લોટ, સત્કાર હાઇટસ ફલેટમાં રહેતા નિવૃત શિક્ષક મકનભાઇ કુવરજીભાઇ કાલરીયાએ આજથી 13 વર્ષ પૂર્વે શેરબજારમાં નુકશાની જતા દેણું ચૂકવવા સસરા પક્ષના સગા એવા રવાપર રોડ ઉપર રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા વ્યાજખોર વલ્લભભાઇ ગાંડુભાઇ જેઠલોજા પાસેથી રૂપિયા 2.35 લાખ ચાર ટકા વ્યાજે લઈ કુલ રૂપિયા 9.87 લાખ ચૂકવી આપ્યા હતા. આ ઉપરાંત મકનભાઇ કુવરજીભાઇ કાલરીયાના ભાઈ દુર્લભજીભાઈએ પણ વ્યાજખોર વલ્લભ પાસેથી 70 હજાર વ્યાજે લઈ બદલામાં 1.80 લાખ ચૂકવવા છતાં વલ્લભે કોઈ માથાભારે ઈરફાન નામના શખ્સને સાથે રાખી બન્ને ભાઈઓ પાસે વ્યાજની હવાલવાળી પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા આ મામલે રેન્જ આઇજી સમક્ષ રજુઆત કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ બન્ને વ્યાજખોર વિરુદ્ધ નોંધાઈ છે.