પીજીવીસીએલ કચેરી દ્વારા જનજાગૃતિ રેલી અને કર્મચારીઓ માટે સેમિનારનું આયોજન મોરબી : મોરબી આજે ઉર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજ કચેરી દ્વારા જનજાગૃતિ રેલી યોજી લોકોને ઉર્જા બચત અને પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્રોતના ઉપયોગ કરવા સંદેશો આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ઉર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિકારી ભલાણી ની આગેવાનીમાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ઉર્જા બચતનો સંદેશો આપવા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પીજીવીસીએલ કચેરીથી શરૂ થયેલી આ રેલી ગેંડા સર્કલ, પાડાપુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસસ્ટેન્ડ થઈ શહેરભરમાં ફરી હતી અને પુનઃ વર્તુળ કચેરીએ સમાપ્ત થઈ હતી. આ તકે વિજતંત્ર દ્વારા લોકોને પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્રોત જેવા કે સોલાર કુકર, સોલાર હિટર, ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો. વધુમાં ઉર્જા બચત સપ્તાહ અંતર્ગત વીજ કર્મચારીઓ માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રેલીમાં ૩૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.