વિવિધ સંસ્થાઓના સયુંકત ઉપક્રમે શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે લીમડો, પીપળો, કરંજ જેવા ઘટાદાર વૃક્ષોના રોપાઓનું કરાશે વિતરણ મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આગામી રવિવારે વિના મુલ્યે વૃક્ષના રોપાના વિતરણનું પ્રેરક કાર્ય હાથ ધરવામાં આવશે. જેમાં કુલ ૨ હજાર વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે થનાર આ સેવા કાર્યમાં 'મોરબી અપડેટ' પણ સહભાગી બનશે. મોરબીમાં મેઘમહેરને કારણે વૃક્ષારોપણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ત્યારે વન વિભાગના સહયોગથી મયુર નેચર કલબ, પ્રેસ ફ્રેન્ડ્સ કલબ, ઇન્ડિયન લાયન્સ કલબ અને 'મોરબી અપડેટ'ના સયુંકત ઉપક્રમે આગામી તા. ૨૨ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન સંદેશ બ્યુરો ઓફીસ નીચે, કેકે સ્ટીલ સામે , રામ ચોક, શનાળા રોડ ખાતે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં કુલ ૨ હજાર વૃક્ષના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મયુર નેચર કલબના એમ.જી. મારુતિએ જણાવ્યું હતું કે શહેરમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે માટે વૃક્ષના રોપાનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં લીમડો, પીપળો, કરંજ જેવા ઘટાદાર વૃક્ષોના રોપાઓનું જ વિતરણ કરવામાં આવશે. રોપા વિતરણ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે 'મોરબી અપડેટ' દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.