મોરબી અપડેટના અહેવાલ બાદ આરોગ્ય તંત્રએ શનાળા ગામમાં ધનવતરી રથ દોડાવી લોકોના ટેસ્ટ કરી તેમજ પોઝિટિવ દર્દીઓને દવા આપી મોરબી : મોરબીનું ઘણી ઘોરી વગરનું શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે હોવાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતાની સાથે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બાબતને ગંભીર ગણીને આરોગ્ય તંત્રએ તુરત જ હરકતમાં આવી શનાળા ગામા સર્વ માટે ધનવતરી રથ દોડાવ્યો છે. તેમજ ગામલોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝિટિવ દર્દીઓને દવા આપી હતી. મોરબીના શક્ત શનાળા ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ રબારીએ થોડા સમય પહેલા કલેકટરને રજુઆત કરીને હાલના કોરોના કાળમાં શનાળા ગામની પરિસ્થિતિ ગંભીર હોવાનો ચિતાર આપ્યો હતો. તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, શનાળા ગામ પાલિકામાં કે ગ્રામ પંચાયતમાં ન હોવાથી આ ગામ ઘણી ઘોરી વગરનું છે. તેમજ આવડી મોટી વસ્તી ધરાવતા શનાળા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે ભારે હાડમારી ભોગવવી પડે છે. તેઓએ આ ગંભીર પરિસ્થિતિ અંગે કલેકટરને કરેલી રજુઆતનો સમગ્ર અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને શનાળા ગામમાં ધન્વંતરી રથ મોકલીને ગ્રામલોકોના રેપીડ ટેસ્ટ કરી પોઝિટિવ દર્દીઓને દવા આપી હતી. આથી તેઓએ કલેકટર અને મોરબી અપડેટનો આભાર માન્યો હતો.