મોરબી : મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ બાદ ગઈકાલ બુધવાર સુધીના લેવાયેલા તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે ગુરુવારે બે શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા બાદ ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાને લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ તેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે મળતી વિગત મુજબ જ્યાં એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં એક 26 વર્ષના યુવાનને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ રિપોર્ટ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે આજે ગુરુવારે સવારે આઇસોલેશન વોર્ડમાં ગ્રીનચોક વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃધ્ધ અને જાંબુડિયામાં રહેતા 39 વર્ષના યુવકને દાખલ કરી તેમના સેમ્પલ પણ લેવાયા છે. આજે કુલ 3 લોકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર સેમ્પલ માટે મોકલાયા છે. જેમના રિપોર્ટ કાલે શુક્રવારે સાંજ સુધીમાં આવશે.