સીસીટીવીમાં કેદ થયેલા ચાર તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધાયો મોરબી : મોરબી તાલુકાના ઊંચીમાંડલ ગામે એક સાથે દસથી બાર જેટલી દુકાનોમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે ત્યારે આ ચોરી પ્રકરણમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે 1.63 લાખના મોબાઈલ, રોકડ રકમ સહિતની માલમતાની ચોરી મામલે ગુન્હો દાખલ કર્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઊંચીમાંડલમાં ગામે તરખાટ મચાવી શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં સંજયભાઈ ઈશ્વરભાઈ કેરાલીયાની મોબાઈલની દુકાનમાંથી તસ્કરો રૂ.96380 ની કિંમતના 27 મોબાઈલ ફોન, 15000નો કેમેરો, 7000 રૂપિયાની મોબાઈલ એસેસરીઝ અને મણિ ટ્રાન્સફરના 40 હજાર રોકડા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તસ્કરો બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી 5000નું પરચુરણ અને અન્ય સાહેદોની દુકાનના તાળા તોડી શટર ઉંચકાવ્યા હોવા મામલે સીસીટીવીમાં દેખાતા ચાર તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઇ એન.જે.રાણા ચલાવી રહ્યા છે.