મહિલાની નજર ચૂકવીને બન્ને શખ્સો કળા કરી ગયા : મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં કબાટની ચાવી બનાવી દેવાના બહાને બે શખ્સો મહિલાની નજર ચૂકવીને કબાટની તિજોરીમાં રાખેલા નવ તોલાના સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવની મહિલાએ બન્ને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગરની બાજુમાં જીવનજયોત સોસાયટી નવનિર્મોણ સ્કુલની પાસે આવેલ રમેશભાઇ ભગવાનજીભાઇ વાધડીયાના મકાનમાં ભાડેથી રહેતા નવાધનશ્યામગઢ -હળવદના વતની ગીતાબેન મનસુખભાઇ ઉર્ફે મનીષભાઇ ઉકાભાઇ ગોપાણી ઉ.વ.૩૬ નામના મહિલા ગત તા.૧ ના રોજ પોતાના ઘરે હતા. તે સમયે બે તાળાની ચાવી બનાવવાનું કામ કરતા સરદારજીઓ તેમના ઘરે આવ્યા હતા અને આ બન્ને શખ્સોએ ચાવી બનાવવાના બહાને આવી મહિલાના ઘરના કબાટની ચાવી બનાવતા સમયે કબાટમા બીજી ચાવી ફસાવી મહિલાને નજર ચુકવી કબાટની તિજોરીમા રાખેલ સોનાના દાગીના મંગળસુત્ર, સોના ના પાટલાનંગ-૨ , સોનાનુ પેન્ડલ સેટ-૧ એમ કુલ આશરે નવ તોલા કીમત રૂ.૨,૭૦૦૦૦ ના દાગીના સેરવીને નાસી છૂટ્યા હતા. બાદમાં મહિલાએ કબાટમાં જોતા સોનાના દાગીના ન દેખાતા આ બન્ને શખ્સો કબાટની ચાવી બનાવવાના બહાને કળા કરી ગયાનું માલુમ પડતા તેમણે આ અંગે બન્ને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે આ અંગે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.