મોરબી : મોરબી ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં આજે સવારના સુમારે બે અલગ-અલગ રેસ્ક્યુ કોલ મળ્યા હતા. જેમાં એક બનાવમાં ચરાડવા પાસે કેનાલમાં ડૂબી જવાથી એક પરપ્રાંતીય યુવકનું અને બીજા બનાવમાં ઘુંટુ પાસે કૂવામાં ખાબકવાથી એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં સવારે ૯:૩૦ વાગ્યે પહેલો કોલ મળ્યો હતો. જેમાં મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો વતની ૨૫ વર્ષીય સેરાજ મહમદ ચરાડવા પાસે આવેલી કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી અને હળવદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ટીમોએ સાથે મળીને સતત ૨ કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.ત્યારબાદ સવારે ૧૦:૩૦ વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં બીજો કોલ મળ્યો હતો. જેમાં ઘુંટુ તળાવ પાસે આવેલા એક કૂવામાં ૬૫ વર્ષીય ભોવનભાઈ માલાભાઈ રાઠોડ અકસ્માતે પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને વૃદ્ધનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો હતો.ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકી સહિતની ફાયર બ્રિગેડની ટીમે આ બંને ઘટનાઓમાં ભારે જહેમત ઉઠાવીને સમયસર મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiFireBrigade #RescueOperation #Charadva #Ghuntu #AccidentNews #Drowning #MorbiNews