ચોમાસામાં નાલાનું કામ શરૂ કરાયું! ડાયવર્ઝન યોગ્ય રીતે ન મુકાતા ટ્રાફિક પ્રશ્ન વકર્યો : તંત્ર તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ મોરબી : મોરબીના રંગપર- પીપળી રોડ પરનો ટ્રાફિક પ્રશ્ન શીરદર્દ સમાન બન્યો છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને ૧૦ કી.મી.નું અંતર કાપવા માટે બે થી અઢી કલાકનો સમય થાય છે. ત્યારે તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબીના રંગપર- પીપળી રોડ પર દરરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ છે. આ રોડ પર ૨૦૦ જેટલી સીરામીક ફેકટરીઓ આવી છે. આ સીરામીક ફેક્ટરીઓના કર્મચારીઓ, ઉધોગપતિઓ તેમજ અન્ય વાહનચાલકો દરરોજ સર્જાતા ટ્રાફિકજામથી ત્રસ્ત થઈ ગયા છે. ટ્રાફિકના કારણે દરરોજ હજારો લોકોના કિંમતી સમયનો વ્યય થતો હોવાની ફરિયાદો ઉઠી છે. રંગપર- પીપળી રોડ પર કરવામાં આવેલા આડેધડ વાહન પાર્કિંગ તેમજ સાંકડો રસ્તો હોવાના કારણે અહીં દરરોજ ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઉપરાંત ચોમાસુ શરૂ થઈ ગયું હોવા છતાં અહીં નાલાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યોગ્ય રીતે ડાયવર્ઝન ન આપવાના કારણે પણ ટ્રાફિક સમસ્યા વકરી છે. આ ટ્રાફિક સમસ્યાથી લોકોને છુટકારો મળે તે દિશામાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.