એચ.ડી.એફ.સી. ચોક પાસેથી ટી.આર.બી. જવાનને મળેલા પાકીટ અંગે ટ્રાફિક પોલીસે ડોક્યુમેન્ટના આધારે સંપર્ક કરી ઉમિયા સર્કલ ખાતે માલિકને પાકીટ પરત કર્યુંમોરબી અપડેટ : પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસની છાપ પ્રજામાં હકારાત્મક નીવડે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને મોરબી ટ્રાફિક શાખાએ પ્રશંસનીય કામગીરી કરી 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. મોરબીના એચ.ડી.એફ.સી. ચોક ખાતે ફરજ બજાવતા ટી.આર.બી. જવાન સમજુબેનને રસ્તા પરથી એક પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટ મળતા જ તેઓએ પ્રામાણિકતા દાખવીને તે પાકીટ પી.એસ.આઇ. ડી. બી. ઠક્કરને સોંપ્યું હતું. ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ડી. વી. ખરાડીના માર્ગદર્શન હેઠળ પાકીટમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી.ડોક્યુમેન્ટના આધારે પોલીસે પાકીટના મૂળ માલિકનો મોબાઈલ નંબર મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. પોલીસનો સંપર્ક થતાં જ મૂળ માલિક આજરોજ ઉમિયા સર્કલ ખાતે દોડી આવ્યા હતા. ટ્રાફિક પોલીસે ખાતરી કરીને તમામ ડોક્યુમેન્ટ અને પાકીટ તેમને સહી સલામત પરત સોંપ્યા હતા. પોતાનું અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું ખોવાયેલું પાકીટ પાછું મળતા માલિકે રાહતનો શ્વાસ લીધો હતો અને મોરબી ટ્રાફિક પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે મોરબી ટ્રાફિક શાખાએ સાબિત કરી દીધું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiTrafficPolice #GujaratPolice #Honesty #GoodWork #PublicService